ચેન્નઈ: IPLની સૌથી સફળ ટીમમાંથી એક ચેન્નાઇ સુપરકિંગ્સ સાથે અશ્વિન 2008માં જોડાયો હતો. આ સમયગાળાને યાદ કરતા અશ્વિને જણાવ્યું હતું કે, તેની કારકિર્દીને IPL દ્વારા એક દિશા મળી હતી. ધોની હંમેશા તેમને કુશળ સ્પિનર માનતો હતો.
અશ્વિને એક શો માં જણાવ્યું હતું કે, " IPL અને CSK એવું પ્લેટફોર્મ છે કે જ્યાં મને મારી ઓળખ બનાવવાની તક મળી હતી. ધોનીને ખબર ન હતી કે અશ્વિન કોણ છે, મુરલીધરન અને હેડનને ખબર ન્હોતી કે અશ્વિન કોણ છે ત્યારે મે નક્કી કર્યું હતું કે હું આ લોકોને બતાવીશ કે અશ્વિન અહીં છે.”
"હું કાયમ તેમનું ધ્યાન મારા તરફ ખેંચવા માંગતો હતો અને મે વિચાર્યું હતું કે જો હું મુરલીધરનથી સારી બોલિંગ કરુ તો મને સફળતા મળશે. મે ચેલેંજર ટ્રોફી દરમિયાન તેને આઉટ કર્યો હતો અને પછી નાના છોકરાની જેમ ખુશ થઈ ઉજવણી કરી હતી.”
ચેમ્પિયન્સ લીગમાં વિક્ટોરિયા બુશરેન્જર વિરુદ્ધ CSKની મેચમાં તેમણે સુપર ઓવર ફેંકી અને ધોનીએ અચકાયા વગર બોલ મને પકડાવ્યો, જો કે હું સારું પ્રદર્શન ના કરી શક્યો અને 23 રન ગુમાવી બેઠો. ત્યારબાદ ધોનીએ મને કહ્યું કે મારે કેરમ બોલ ફેંકવાની જરૂર હતી."
અશ્વિને લેફ્ટ હેન્ડ સ્પિનર તરીકે તેની કારકિર્દીમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે. તેની કારકિર્દીમાં લીધેલી 365 વિકેટોમાંથી 189 વિકેટ લેફ્ટ હેન્ડ સ્પિનર તરીકે લીધી છે જેનો શ્રેય તેણે તેના એન્જીનીયરીંગ બેકગ્રાઉન્ડ અને ડંકન ફ્લેચરની સલાહને આપ્યો હતો.