માન્ચેસ્ટર: કેપ્ટન જૉ રૂટના પરત ફરવાને લઇને ઉત્સાહિત ઇંગ્લેન્ડની ટીમ ઓલ્ડ ટ્રેફર્ડમાં આજ રોજ વિન્ડીઝ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચમાં સીરિઝની બરાબર કરવા મેદાને ઉતરશે. જ્યારે વિન્ડીઝની ટીમ પ્રથમ મેચ જીતીને 1-0થી આગળ છે અને હવે તેની કોશિશ બીજી મેચમાં જીત મેળવી સીરિઝ હાંસિલ કરવા પર હશે.
રૂટ વિના પ્રથમ ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રૂટ પોતાના બીજા બાળકના જન્મને લઇને મેચમાં રમી શક્યો નહોતો. રૂટ આજ રોજ હવે ટીમમાં ડેનલીની જગ્યાએ મેદાન પર ઉતરશે તે સાથે જ ટીમની જીતની આશા પ્રબળ બની રહેશે.
આ સીરિઝ કોરોના વાઇરસની મહામારીને જોતા સિક્યોર વાતાવરણ સાથે રમાઇ રહી છે. આ બંને ટીમ વચ્ચે ત્રીજી મેચ ઓલ્ડ ટ્રેફર્ડમાં 24 જુલાઇના રોજ રમાશે.