નવી દિલ્હી: 2007ના ટી-20 વિશ્વ કપ વિજેતા ટીમના ખેલાડી રહી ચૂકેલા રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે, તે પોતાની કારકીર્દી દરમિયાન 2 વર્ષ સુધી ડિપ્રેશનમાં અને આત્મહત્યાનાં ખ્યાલો સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે ક્રિકેટ જ એકમાત્ર કારણ હતું કે જેના લીધે તેને બાલ્કનીમાંથી કુદકો મારવાથી રોકી રાખ્યો હતો.
ભારત તરફથી 46 વનડે અને 13 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા ઉથપ્પાને આ વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા 3 કરોડમાં ખરીદ્યો હતો. જો કે, કોરોના વાઇરસ રોગચાળાને કારણે આઈપીએલ મુલતવી રાખવામાં આવી છે.
ઉથપ્પાએ રોયલ રાજસ્થાન ફાઉન્ડેશનના લાઇવ સત્ર 'માઇન્ડ, બોડી એન્ડ સોલ'માં કહ્યું, "મને યાદ છે કે, 2009 અને 2011ની વચ્ચે સતત મને આત્મહત્યાનાં વિચારો આવતા હતા, અને મારે દરરોજ તેનો સામનો કરવો પડ્યો હતો. હું તે સમયે ક્રિકેટ વિશે વિચારતો પણ ન હતો.’
તેમણે કહ્યું કે, "હું વિચારતો હતો કે, આ દિવસ હું કેવી રીતે જીવશ અને બીજો દિવસ કેવો રહેશે, મારા જીવનમાં શું થઈ રહ્યું છે અને હું કઈ દિશામાં આગળ જઇ રહ્યો છું. જો કે ક્રિકેટના લીધે હુ આ બાબતોને મારા મગજ માંથી બહાર કાઢી શક્યો.”
ઉથપ્પાએ કહ્યું, "તે દિવસોમાં, હું અહીં અને ત્યાં બેસીને વિચારતો હતો કે મારે દોડીને બાલ્કનીમાંથી કૂદી જવું જોઈએ, પરંતુ ક્રિકેટે મને રોકી રાખ્યો હતો.”
ઉથપ્પાએ કહ્યું કે, આ સમયે તેમણે ડાયરી લખવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે, મેં મારી જાતને એક માણસ તરીકે સમજવાની પ્રક્રિયા શરૂ કરી. આ પછી મે બહારથી સલાહ લીધી કે, જેથી હું મારા જીવનમાં પરિવર્તન લાવી શકું.
તે પછીના સમયગાળા દરમિયાન જ્યારે તે ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયા એ ટીમનાં કેપ્ટન હોવા છતાં, તેની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી, તે બાબત પર તેમણે કહ્યું કે, ખબર નહી કેમ પણ હું આટલી મહેનત કરી રહ્યો હતો તેમ છતા મારાથી રન નહોતા બની રહ્યા. હું માનવા માટે તૈયાર જ નહોતો કે મારી સાથે કોઈ સમસ્યા છે. આપણે કેટલીક વાર તે સ્વીકાર જ નથી કરતા કે આપણે કોઇ માનસિક સમસ્યા છે.
આ પછી ઉથપ્પાએ 2014-15ની રણજી સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યાં હતા. તેણે હજી સુધી ક્રિકેટને અલવિદા કહ્યું નથી, પરંતુ તે કહે છે કે જે રીતે તેણે પોતાના જીવનના ખરાબ તબક્કાનો સામનો કર્યો હતો, તેને તેનો કોઈ અફસોસ નથી.
તેમણે કહ્યું, "મારા નકારાત્મક અનુભવો વિશે મારી પાસે કોઈ કસર નથી કારણ કે એનાથી મને સકારાત્મકતા અનુભવવામાં મદદ મળી. ફક્ત નકારાત્મક બાબતોનો સામનો કરવાથી તમે સકારાત્મકતામાં ખુશ રહી શકો છો.