નવી દિલ્હી: ભારતીય ઓપનર ગૌતમ ગંભીર અને પૂર્વ સિલેક્ટર ચીફ એમએસકે પ્રસાદ વચ્ચે તુતુમેંમેંનો માહોલ સર્જાયો હતો. અંબાતી રાયડુને 2019ના વર્લ્ડ કપની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. આ બાબતે શુક્રવારે ગંભીર અને પ્રસાદ આમને સામને આવી ગયા હતા.
પ્રસાદની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ રાયડુની ભારતીય ટીમમાં પસંદગી ન કરતાં ઓલરાઉન્ડર ક્રિકેટર વિજય શંકરને 2019 વર્લ્ડ કપ માટે પસંદ કરાયો હતો. યુવરાજ સિંહ અને સુરેશ રૈનાની પસંદગી પ્રક્રિયા અંગે પણ ગંભીરે સવાલ ઉઠાવ્યા હતા.
ગંભીરે કહ્યું, વર્ષ 2016માં જ્યારે ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાંથી મને બહાર કરવામાં આવ્યો હતો, ત્યારે કોઈ વાતચીત થઈ ન હતી. તમે કરૂણ નાયરને જુઓ, તેને કોઈ કારણ જણાવવામાં આવ્યું ન હતું.
ગંભીરે જણાવ્યું કે, અંબાતી રાયડુનું શું થયું. તમે તેને બે વર્ષ ટીમમાં રાખ્યો હતો. આ દરમિયાન તેણે ચોથા નંબર પર બેટિંગ કરી હતી. હવે તમે કહો છો કે, અમને 3-ડી પ્લેયરની જરૂર છે. સમિતિના અધ્યક્ષ દ્વારા આવા નિવેદનની અપેક્ષા રાખવામાં આવી શકે છે?
આ બાબતે પ્રસાદે જવાબ આપતા જણાવ્યું કે, ટીમમાં શરૂઆતના ક્રમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન જેવા બેટ્સમેન હતા. તેમાંથી કોઈ પણ બોલિંગ કરી શક્યું નહીં. તેથી ઇંગ્લેન્ડની પરિસ્થિતિ મુજબ અમને એવા ખેલાડીની જરૂર હતી, જે શરૂઆતના ક્રમમાં બેટિંગ સિવાય બોલિંગ પણ કરી શકે. જે કારણે વિજય શંકરની પસંદગી કરવામાં આવી હતી.