ચંડીગઢઃ પંજાબ પોલીસે સોમવારે આંતરરાષ્ટ્રીય ટેનિસ મેચ ફિક્સિંગના આરોપી રવિન્દ્ર દાંડીવાલાની મોહાલીથી ધરપકડ કરી હતી. દાંડીવાલાએ તાજેતરમાં જ ચંડીગઢમાં નકલી શ્રીલંકા ટી-20 લીગના મેચનું આયોજન કર્યું હતું. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
બીસીસીઆઇના રડાર પર આવેલા દાંડીવાલે તાજેતરમાં 29 જૂને યુવા ટી-20 લીગ મેચ યોજી હતી, જે યૂટ્યુબ પર બતાવવામાં આવી હતી.
બીસીસીઆઇની એન્ટી કરપ્શન યુનિટ(ACU) ની ટીમ મોહાલી પહોંચી રહી છે અને પોલીસ સાથે જાનકારી શેર કરશે. બીસીસીઆઇના એસીયુના પ્રમુખ અજીત સિંહે તેની પુષ્ટી કરી છે.
અજીતે એક ન્યુઝ એજન્સીને કહ્યું કે હા તેઓની ધરપકડ કરવામાં આવી છે અને અમે અમારી ટીમને ત્યાં મોકલી રહ્યા છીએ. અમે તેમની પાસેથી શક્ય તેટલી માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું, તેમજ અમારી પાસે જેટલી માહિતી છે તે પણ અમે પોલીસ સાથે શેર કરીશું.
પંજાબ, હરિયાણા અને ચંડીગઢના કેટલાક ખેલાડીઓ રાજધાનીથી 15 કી.મી દુર સવારા ગામમાં ક્રિકેટ એકેદમીમાં મેચ રમી રહ્યા છે, જે મેચને શ્રીલંકાની યુવા ટી-20 લીગનો મેચ બતાવી પ્રસારીત કરવામાં આવી રહ્યો હતો.
મોહાલીના પોલીસ અધિકારી કુલદીપ સિંહ ચહલે મીડિયાને જણાવ્યું કે દાંડીવાલની ધરપકડ કરવામાં આવી છે અને અમે આ રેકેટમાં તેની ભૂમિકાની તપાસ કરી રહ્યા છીએ.
પોલીસે અગાઉ રાજુ અને પંકજની પણ ધરપકડ કરી હતી. જેમણે આ મેદાનને સ્ટ્રોકર્સ ક્રિકેટ એસોસિએશન પાસેથી 33,000 રૂપિયા આપીને બુક કર્યું હતુ. આ નકલી ક્રિકેટ મેચના સમાચાર પરમિંદર સિંહની ફરિયાદ પર આવ્યા હતા.
એક વરિષ્ઠ અધિકારીએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે જે પણ ખેલાડી આ મેચમાં રમી રહ્યા હતા તે નાના લેવલના ખેલાડીઓ હતા, જેને 5,000 થી 10,000 રૂપિયા આપીને રમવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં કેટલાક રણજી ખેલાડીઓની ભૂમિકા પણ તપાસનો વિષય છે.
તેમણે વધુમાં કહ્યું કે તે ખેલાડીઓની જ તેમણે પસંદગી કરી હતી જે ખેલાડીઓનો રંગ કાળો હોય જેથી કરી તેઓ શ્રીલંકાના ખેલાડીઓ જેવા દેખાય તેમજ બે કેમેરા એવી રીતે લગાવવામાં આવ્યા હતા કે જેનાથી તેઓ ખેલાડીના પીઠને કવર કરી શકે અને તેમનો ચહેરો ના દેખાય.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ મામલે તેની સંડોવણીને પહેલા જ નકારી દીધી હતી.