ક્રાઇસ્ટચર્ચ: ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમની બીજી ટેસ્ટ મેચમાં કરારી હાર થઇ છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે 7 વિકેટ સાથે ક્રાઇસ્ટચર્ચમાં જીત મેળવી 2-0થી શ્રેણી પોતાના નામે કરી છે. આ પહેલા આજે સવારે ભારતીય ટીમ આવતાની સાથે જ 124 રન પર જ ઢેર થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડને આ મેચ જીતવા માત્ર 132 રનની જ જરૂર હતી. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં 242 રન બનાવ્યાં હતાં. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડ ટીમ 235 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી.
ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં સૌથી વધારે 24 રન ચેતેશ્વર પુજારે બનાવ્યાં હતાં, ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ 16 રનની ઇનિંગ્સ રમી હતી. આ સિવાયના તમામ બેટ્સમેનનો શો ફ્લોપ રહ્યો હતો.
આ પહેલા ભારતે આજે દિવસની શરૂઆત 90 રન પર 6 વિકેટ સાથે કરી હતી, ત્યારબાદ ભારતીય ટીમે માત્ર 34 રન ઉમેરી અને પેવેલીયન ભેગી થઇ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમનો હીરો રહેનાર બોલ્ટે 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત સાઉથીએ ત્રણ વિકેટ મેળવી હતી, જ્યારે કોલિન ડી ગ્રાંડહોમ અને નીલ વેગ્નરે એક-એક વિકેટ મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, આ શ્રેણી બાદ તમામ પ્લેયર્સ ટેસ્ટમાંથી બહાર આવી અને ભારત ખાતે રમાનારી IPL-2020માં ધુમ મચાવશે.