નવી દિલ્હી: IPLની શરૂઆતની 8 ટીમ પૈકીની એક ડેક્કન ચાર્જર્સને ખોટીરીતે દૂર કરવી BCCIને ભારે પડ્યું છે. આ કેસમાં કોર્ટે BCCI વિરુદ્ધ ચૂકાદો આપ્યો છે. કોર્ટે BCCI પર 4800 કરોડનો દંડ ફટકાર્યો છે.
ડેક્કન ચાર્જર્સે આ નિર્ણયની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ડેક્કન ચાર્જર્સને લીગમાંથી હટાવ્યા બાદ બોર્ડે હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી માટે બોલી મંગાવવાનું શરૂ કર્યું. બોલી સન ટીવી નેટવર્કના કલાનિધિ મારને જીતી હતી.
આ મામલો 2012નો છે. ત્યારે હૈદરાબાદ સ્થિત મીડિયા જૂથે BCCIના IPLમાંથી ડેક્કન ચાર્જરને હટાવવાના નિર્ણયને પડકાર્યો હતો. 15 સપ્ટેમ્બર 2012ના રોજ બોર્ડે ડેક્કનની ગવર્નિંગ કાઉન્સિલની તાકીદની બેઠક બોલાવી હતી અને ડેક્કન ચાર્જર્સને IPLથી હટાવી દીધી હતી.
હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના રિટાયર જજ સી.કે. ઠક્કરને 8 વર્ષ પહેલાં આર્બિટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. શુક્રવારે ઠક્કરે પોતાનો નિર્ણય ડેક્કન ચાર્જરના પક્ષમાં આપ્યો હતો. BCCIએ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૈસા ચૂકવવાના રહેશે.