નવી દિલ્હી : શ્રીલંકાના પૂર્વ સ્પોર્ટ્સ પ્રધાન મહિંદાનંદા અલૂથગામાગે મોટું નિવેદન આપતા આરોપ લગાવ્યો છે કે, 2011માં ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચ ફિક્સ હતી. ભારતે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત મેળવી 28 વર્ષ પછી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.
વર્ષ 2011માં અલુથગામગે શ્રીલંકાના ખેલ પ્રધાન હતા. તેમણે કોઈ સાબિતી વગર આ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, તે પોતાના આ નિવેદનની પૂરી જવાબદારી લે છે. આ વિશે તે વધારે ખુલાસો કરવા માંગતા નથી કારણ કે પોતાના દેશની ઇજ્જતની ચિંતા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે એક ખાનગી મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘હું મારા નિવેદન પર હાલ પણ યથાવત છું કે 2011માં વર્લ્ડ કપ ફાઇનલ ફિક્સ હતી જ્યારે હું રમત પ્રધાન હતો.’
મીડિયા રિપોર્ટ મુજબ વધુમાં તેમણે કહ્યું કે,‘હું મારા નિવેદનની સંપૂર્ણ જવાબદારી લઉ છું અને ચર્ચા માટે પણ તૈયાર છું. હું આમાં ખેલાડીઓને સામેલ નહીં કરું પરંતુ અમુક ગ્રુપ્સ હતા જે મેચને ફિક્સ કરવામાં સામેલ છે.’ આપને જણાવી દઈએ કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે 2011 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ ભારતને જીત માટે 274 રનનો લક્ષ્ય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટાર્ગેટ ચેઝ કરી વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ મેચમાં જ્યારે 11 બોલમાં 4 રનની દરકાર હતી ત્યારે ધોનીએ ગગનચુંબી છગ્ગો ફટકાર્યો હતો અને જીત ભારતના નામે કરી હતી.
આ મેચમાં શ્રીલંકાએ 50 ઓવરમાં છ વિકેટે 274 રન નોંધાવ્યા હતા. મહેલા જયવર્દનેએ 88 બોલમાં 103 રન ફટકાર્યા હતા સંગાકરાએ 30 અને કુલશેખરાએ 40 રનનું યોગદાન આપ્યું હતું. લસિત મલિંગાએ ભારતના સચિન તેંડુલકર અને સેહવાગની વિકેટ તો સસ્તામાં ખેરવી દીધી હતી પરંતુ ગૌતમ ગંભીર અને મહેન્દ્રસિંહ ધોનીએ ટારગેટ ચેઝ કરીને ટીમને ટાઇટલ અપાવ્યું હતું.