પોરબંદર: સમગ્ર ગુજરાતમાં 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઠેરઠેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકોને કોરોના મહામારીને લઈને તેમના ઘરમાં જ યોગ કરવાની અપીલ કરવામાં આવી હતી.
આથી પોરબંદર જિલ્લાના બાળકો, યુવાનો, વૃદ્વો સૌ કોઇ પોતાના પરિવાર સાથે યોગ કરીશુ, કોરોનાને હરાવીશુના સંકલ્પ સાથે યોગ કરતા જોવા મળ્યા હતાં.
આ વિશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર મોનીકાબેન જોશીએ કહ્યુ કે, "અત્યારે લોકો વજન ઉતારવા માટે ઉપવાસ કે બીજુ કોઇ માધ્યમ પસંદ કરતા હોય છે ત્યારે યોગાસન અને કસરતના કારણે મે છેલ્લા બે વર્ષમાં 28 કિલો જેટલું વજન ઉતાર્યું છે.
અત્યારે મારું વજન 65 કિલો આસપાસ છે, ચક્રાસન મારૂ ગમતુ આસન છે.
દુબઇમાં બે વર્ષ સુધી યોગ ટીચર તરીકે સેવા આપીને દુબઇના 500 થી વધુ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને યોગ પ્રાણાયામની તાલીમ આપનાર જાનવીબેન મોઢા કહે છે કે, યોગ મને ગમે છે યોગ કરવાથી મને મનની શાંતિ મળે છે અને તનની તંદુરસ્તી જળવાઇ રહે છે અને સાથે સાથે યોગ ટીચર હોવાથી આર્થિક રીતે પણ મને યોગ મદદરૂપ બને છે.
ઉપરાંત 54 વર્ષિય ગૃહિણી મંજુબેન મોઢાએ જણાવ્યુ કે, હું બે વર્ષથી યોગાસન કરુ છુ. પહેલા જ્યારે યોગા ન કરતી ત્યારે ઘરનુ કામ કરવામાં ક્યારેક આળસ આવી જતી અત્યારે યોગ કરુ છુ જેથી ઉત્સાહ જળવાઇ રહે છે, મનને શાંતિ મળે છે.
દર વર્ષે યોગ દિવસે લોકો મેદાનમાં એકઠા થઇને સામૂહિક રીતે જોડાઇને યોગ કરતા હોય ત્યારે આ વર્ષે વિશ્વમાં કોરોના મહામારી હોવાથી લોકો પોતાના પરિવાર સાથે પોતાના ઘરે જ યોગ કરીને કોરોના મહામારીને હરાવવા સંકલ્પબધ્ધ બને તેવી સરકાર દ્રારા કરાયેલી અપીલને પોરબંદર જિલ્લામાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે. લોકોએ પોતાને ગમતા યોગાસનો કરીને વોટ્સએપ સ્ટેટસ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયામાં અપલોડ કરીને કોરોનાને હરાવવા સંકલ્પબધ્ધ થયા છે.