મુંબઇ: બોલીવૂડ અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીએ બોલિવૂડના 99 ટકા લોકો ડ્રગ્સનું સેવન કરવાના કંગના રનૌતના દાવાને નકારી કાઢતા કહ્યું હતું કે, કોઈપણ બળપૂર્વક આપણા મોંમાં ડ્રગ્સ નાખી શકતું નથી.
'મસાન' ફિલ્મની અભિનેત્રીએ કહ્યું કે, કંગનાને ભ્રમ છે કે, કોઇપણ અભિનેત્રીને કામ કરવા માટે કોઇપણ રસ્તા પર જવું પડે છે. તે ખોટી વાત છે. શ્વેતાએ કહ્યું કે, મને લાગે છે કે, જે વાત અત્યારે ચારેતરફ ફેલાઇ ગઇ છે કે, ફિલ્મ ઉદ્યોગના અડધા લોકો નશો કરે છે. તે તદન ખોટી વાત છે. મારો વિશ્વાસ કરો કોઇપણ વ્યક્તિ બળજબરીપૂર્વક આપણા મોંમા ડ્રગ્સ નાખી શકે નહીં. જો કોઇ યુવા ડ્રગ્સ લેવા માગતો હોય તો તે ગમે તે રીતે લઇ લેશે. તે મુંબઇ હોય કે કોઇપણ દેશના નાનકડા શહેરમાં રહેતો હશે.
જો આપણને સતત પૂછવામાં આવે કે, આપણે કેટલા પૈસા કમાઇએ છીએ અને એવું કહેવામાં આવે કે, આપણો સંઘર્ષ સમયનો બગાડ છે, તો તે ખરેખર એક પ્રતિભા પર એક માનસિક દબાણ બનાવે છે. આ ડ્રગ્સના સેવન વિશે નથી. આ તે મુદ્દાઓ વિશે છે, જે તેમને અંધારામાં અને નશાની લત અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓની દુનિયામાં લઈ જાય છે. મને લાગે છે કે, કોઈ પણ ઉદ્યોગને બદનામ કરવાને બદલે આ મુદ્દાઓ વિશે વાત કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મહિલા હસ્તીઓએ બોલિવૂડમાં ફેલાયેલી નકારાત્મકતા સામે અવાજ ઉઠાવ્યો છે. જેમાં અભિનેત્રી જયા બચ્ચન, હેમા માલિની, વિદ્યા બાલન, ઉર્મિલા માતોંડકર, તાપસી પન્નુ અને ગાયિકા સોના મહાપત્રા પણ સામેલ છે.