મુંબઇ: બોલીવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા મુંબઈ એરપોર્ટની બહાર જોવા મળી હતી. અભિનેત્રીએ વ્હાઇટ કલરનું ટી-શર્ટ અને લાઇટ બ્લુ ડેનિમ જીન્સ સાથે મેચિંગ શુઝ પહેર્યા હતા. જેમાં તે હંમેશાની જેમ આકર્ષક લાગી રહી હતી.
પ્રિયંકા પણ તેના નાની ફેન્સ સાથે એરપોર્ટ પર વાતચીત કરતી અને ફ્લાઇંગ કિસ કરતી જોવા મળી હતી. આ પહેલા અભિનેત્રી 19 જાન્યુઆરીએ ઉમંગ એવોર્ડ્સમાં ભાગ લેવા માટે ભારત આવી હતી.વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા જોનાસ છેલ્લે ફરહાન અખ્તરની સાથે 'ધ સ્કાય ઇઝ પિંક'માં જોવા મળી હતી. પ્રિયંકાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરવામાં આવે તો, તે નેટફ્લિક્સ પરની 'ધ વ્હાઇટ ટાઇગર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હશે. જેનું શૂટિંગ પૂરુ થયું છે.
આ સિવાય એમેઝોન સ્ટુડિયો ફિલ્મ 'શીલા'માં અભિનેત્રીમાં આનંદ શીલાનું પાત્ર ભજવશે. નેટફ્લિક્સની ડોક્યુમેન્ટરી સિરીઝ 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' બાદ શીલા ચર્ચામાં આવી હતી. તે 1981-1985 દરમિયાન ભગવાન શ્રી રજનીશની પર્સનલ સેક્રેટરી હતી અને વાસ્કો કાઉન્ટીના ઓરેગોનમાં રજનીશપુરમ આશ્રમનું સંચાલન કરતી હતી. બેરી લેવિન્સનનાં બાલ્ટીમોર પિક્ચર્સ, પ્રિયંકા ચોપડાની પર્પલ પેબલ પિક્ચર્સ અને જેસન સોસ્નોફ દ્વારા નિર્મિત આ ફિલ્મને નિક યાર્બર દ્વારા લખવામાં આવશે.
આ સાથે જ હાલમાં જ નિકએ પ્રિયંકા સાથે પોતાનો પહેલો પ્રોડક્શન પ્રોજેક્ટ જાહેર કર્યો છે. નિક અને પ્રિયંકા એમેઝોન માટે એક રિયાલિટી સિરીઝ બનાવવા જઈ રહ્યા છે. જેનું શૂટિંગ આ ઉનાળામાં શરૂ થશે.