લખનઉ: કનિકાના પરિવારજનોને શંકા છે કે, આ રિપોર્ટ ખોટી હોઇ શકે છે. કારણ કે કનિકાના સંપર્કમાં આવેલ તમામ લોકોના રિપોર્ટ અત્યાર સુધી નેગેટિવ આવ્યા છે. જોકે પરિવારજનો કેમેરા સામે બોલવાનું ટાળી રહ્યા છે. પરંતુ ફોન પર પણ તેમને અનૌપચારિક વાતચીતમાં તેની પુષ્ટી કરી છે કે, તેમને કનિકાની કોરોનાવાળી રિપોર્ટ પર શંકા છે.
કોરોના વાઈરસના સંક્રમણથી ચર્ચામાં આવેલી બોલિવૂડ સિંગર કનિકા કપૂરને લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવી છે. તે ઇચ્છે છે કે, કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી તેની બીજી વખત તપાસ કરે, કેમ કે, તેના પહેલા રિપોર્ટમાં તેની ઉંમર 28 વર્ષ લખવામાં આવી છે, તે ઉપરાંત જેન્ડર કોલમમાં તેના નામ આગળ ફીમેલને બદલે ‘મેલ’ લખવામાં આવ્યું છે. તેથી કનિકાને શંકા છે કે, તેના તપાસ રિપોર્ટમાં ભૂલ છે. તો બીજી તરફ પીજીઆઈના ડોક્ટરે સિંગર પર સારવાર દરમિયાન સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે.
તમને જણાવી દઇએ કે, કનિકાના પરિવારમાંથી 30 લોકોના સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. પરંતુ સારી વાત એ છે કે, તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસૂંધરા રાજે, યૂપીના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ અને સાંસદ દુષ્યંત સિંહ પ્રથમ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ તમામ લોકો તે પાર્ટીમાં સામેલ થયા હતા જેમાં કનિકા કપૂર હાજર હતી.
કનિકા કપૂર 9 માર્ચે લંડનથી પરત આવી હતી. આરોપ છે કે, તેને એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરાવ્યું ન હતું. પરંતુ કનિકા આ પ્રકારના આરોપોને નકારી રહી છે. પરંતુ હવે થર્મલ સ્ક્રીનિંગને લઇ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.