મુંબઈઃ બૉલિવૂડ ક્વિન તરીકે અને નીડર નિવેદન આપવા માટે ઓળખાતી કંગના રનૌતને નિર્ભયા કેસ અંગે સવાલ પુછવામાં આવ્યો હતો. કંગનાએ પોતાનો મત રજૂ કરતાં કહ્યું હતું કે, દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા થવી જ જોઈએ. આ સાથે કંગનાએ વકિલ ઈન્દિરા જયસિંહને પણ આડે હાથ લીધા હતા. જેમણે નિર્ભયાના માતાને આરોપીને માફ કરવાની અપીલ કરી હતી. હાલ કંગના પોતાની ફિલ્મ 'પંગા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
એક પ્રમોશન ઈવેન્ટ દરમયિાન કંગનાને નિર્ભયા કેસ પર પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, નિર્ભયાના આરોપીને ફાંસીની સજા થવી જ જોઈએ. આ સાથે કંગનાએ વકીલ ઈન્દિરા જયસિંહ પર તીખોવાર કર્યો હતો. વકીલ ઈન્દિરા જયસિંહે નિર્ભયાની માતાને આરોપીઓને માફ કરવાની અપીલ કરી હતી. આ મુદ્દે કંગનાએ કહ્યું કે, ઈન્દિરા જયસિંહ જેવી મહિલાઓ જ આવા દુષ્કર્મીઓને જન્મ આપે છે, આવી મહિલાઓને 4 દિવસ માટે દુષ્કર્મીઓ સાથે જેલમાં રાખવી જોઈએ.
વધુમાં કંગનાએ ઉમેર્યુ કે, તેમની ખબર હોવી જોઈએ દુષ્કર્મ શું છે અને તે માટે શું સજા થવી જોઈએ. કેટલાય વર્ષોથી નિર્ભયાના માતા-પિતા ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યાં છે, તેમના પરિવારની શું હાલત થતી હશે. કયાં જાશે આટલો સંઘર્ષ કરી, આ કેવો સમાજ છે, ચુપચાપ મારવાથી શું ફાયદો? સમાજમાં એક ઉદાહરણ પુરૂ પાડવું જોઈએ. જેથી બીજીવાર આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. વધુમાં કગંનાએ કહ્યું કે, આવા આરોપીઓને ચોકમાં લટકાવીને ફાંસી આપવી જોઈએ.
મહત્વનું છે કે, કંગના હંમેશા નિડરતાથી પોતાનો મત રજૂ કરતી હોય છે. સમાજિક મુદ્દો હોય કે રાજકારણ, તે હંમેશા નિર્ભય બની પોતાની વાત લોકો સમક્ષ મુકે છે. આપને જણાવી દઈએ કે, કંગનાની ફિલ્મ 'પંગા' 24 જાન્યુઆરીએ રિલીઝ થશે.