મુંબઇ: કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આ યુદ્ધમાં, બધા લોકો જરૂરતમંદોની મદદ કરી રહ્યા છે. આ મામલે બોલિવૂડ પણ પાછળ નથી. બોલિવૂડ સેલેબ્સની સાથે સ્ટાર કિડ્સ પણ આમાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
ફિલ્મમેકર ફરાહ ખાનની પુત્રી અન્યા કુંદર પણ લોકોની મદદ માટે આગળ આવી છે. તે સ્કેચ બનાવીને આ લોકડાઉનના વાતાવરણમાં જરૂરીયાતમંદ લોકોને મદદ કરી રહી છે. અન્યાએ પ્રાણીઓના સ્કેચ બનાવીને લગભગ એક લાખ રૂપિયા એકઠા કર્યા છે. તે આ ભંડોળનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો અને રખડતાં કુતરાઓની મદદ માટે કરશે.
ખુદ ફરાહે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. ફરાહે લખ્યું છે, 'અન્યાએ એક લાખ રૂપિયા એકઠા કર્યા છે. શાળા પહેલાં અને પછી, સપ્તાહના અંતે સ્કેચ દોરવાનું તેણે શરૂ કર્યું હતું. તે દાન માટે મહેનતપૂર્વક સ્કેચ દોરી રહી છે. આ તમામ ભંડોળનો ઉપયોગ શેરીના કૂતરાઓને મદદ કરવા અને ઝૂંપડપટ્ટીમાં ખોરાક પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો છે. ' ફરાહે તેની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, અન્યા તેમાં સ્કેચ બનાવી રહી છે. તે સ્કેચ દ્વારા લોકોનો આભાર પણ માને છે.
જણાવી દઇએ કે આ પહેલા પણ ફરાહે લોકોને અન્યાના આ કામ વિશે જણાવ્યું હતું. અન્યા એક સ્કેચ બનાવવા માટે એક હજાર રૂપિયા લે છે. તે પાલતુ પ્રાણીઓના સ્કેચ બનાવે છે. અગાઉ અન્યાએ આ પ્રકારના સ્કેચ બનાવીને લગભગ 70 હજાર રૂપિયા એકઠા કર્યા હતા. તેનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકોની સહાય માટે આ રૂપિયાનો ઉપયોગ કરશે.