મુંબઇ: ઓલ્ટ બાલાજીની વેબ સીરીઝ 'ટ્રિપલ એક્સ 2' વિવાદ અંગે એકતા કપુરે મૌન તોડ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, હું ભારતીય સેનાની ખૂબ ઇજ્જત કરુ છુ. કદાચ આર્મીની કોઈ પણ સંસ્થાથી માફી માંગવાની જરૂર પડશે તો હું માફી માંગવા તૈયાર છું. સાથે જ તમામ વિવાદિત સામગ્રીને શ્રેણીમાંથી દૂર કરવામાં આવી છે તેમ પણ એકતાએ જણાવ્યું હતું.
નિર્માતા એકતા કપૂર આજકાલ ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'ટ્રિપલ એક્સ 2' માટે ચર્ચામાં છે. સીરીઝમાં દર્શાવવામાં આવેલી કેટલીક સામગ્રીને લઈ તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. હવે પહેલીવાર એકતાએ આ સમગ્ર વિવાદ અંગે મૌન તોડ્યું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન એકતાએ કહ્યું હતું કે, 'હું ભારતીય સેનાનો ખૂબ જ આદર કરું છું. આપણા દેશની સુરક્ષામાં સેનાનો મોટો ફાળો છે. જો કોઈ સૈન્ય સંગઠન પાસે માફી માંગવાની જરૂર હોય તો હું તેના માટે તૈયાર છું.
''એકતાએ ઉમેર્યું હતું કે 'હું સોશિયલ મીડિયા પરની ધમકીઓ અને કેટલાક બદમાશોની અભદ્ર ભાષાથી ડરવાની નથી. જ્યાં આજે હું છું, કાલે બીજી સ્ત્રી પણ હોઈ શકે. મારી માતા અને પરિવારને બળાત્કારની ધમકીઓ મળી રહી છે, જે એકદમ ખોટું છે. મેં વેબ સીરીઝના આ એપિસોડને મંજૂરી નથી આપી. જ્યારે આ વિવાદ શરૂ થયો ત્યારે વિવાદિત દ્રશ્યને શોમાંથી હટાવામાં આવ્યો.''
જણાવી દઈએ કે બિગ બોસ ફેમ હિન્દુસ્તાની ભાઉએ પણ એકતાની વેબ સિરીઝ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
ભારતીય સૈન્યની વર્દી સાથે અભદ્ર અભિવ્યક્તિ કરવા બદલ તેની આકરી ટીકા થઈ હતી અને સોશિયલ મીડિયા પર પણ તેણીને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, એકતા આ પછી શોમાંથી તમામ વિવાદિત કન્ટેન્ટ હટાવવામાં આવ્યુ છે. આ માહિતી નિર્માતાએ તેમની સાથેની વાતચીત દરમિયાન આપવામાં આવી છે.