પટના: બિહારમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે. કે. સિંહ દ્વારા સુશાંતની આત્મહત્યા મામલે પટનાના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાયા બાદ આ મુદ્દે બિહારમાં સત્તારૂઢ પક્ષ અને વિપક્ષ બન્ને CBI તપાસની માગ કરી રહ્યા છે.
ભાજપ પ્રવક્તા નિખિલ આનંદે જણાવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત એક 'બ્રિલિયંટ', 'ટેલેન્ટેડ' અને 'ઇન્ટેલેકચ્યુઅલ' અભિનેતા હતો. સુશાંત ના શંકાસ્પદ નિધનને લીધે આખી દુનિયા આઘાતમાં છે.
“અમે સૌ સુશાંતના પરિવારજનો સાથે છીએ, આ મામલે CBI તપાસ થવી જોઈએ જેથી બિહારના પુત્રને ન્યાય મળે. આ તપાસથી જ બોલિવૂડનું માફિયા જગત, એન્ટી નેશનલ તત્વો બહાર આવશે.”
બીજી તરફ બિહાર પ્રદેશ યુવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ લલન કુમારે જણાવ્યું હતું કે, સુશાંતના પિતા દ્વારા પટનાના રાજીવ નગરમાં દાખલ થયેલી ફરિયાદ પરથી કહી શકાય કે સુશાંતના મૃત્યુ પાછળ અનેક રહસ્યો છે. તેના પ્રશંસકોને જાણ થવી જ જોઈએ કે આખરે તેની સાથે શું થયું હતું.
લલન કુમારે આ મુદ્દે CBI તપાસની માગ કરતો પત્ર પણ રાજ્યપાલને આપ્યો હતો.
ઉપરાંત આ મામલે મંગળવારે લોકજનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આ મામલે બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે , પરંતુ CBI તપાસ દ્વારા હજુ અનેક વિગતો બહાર આવી શકે તેમ છે.