ધર્મશાલા (હિમાચલ પ્રદેશ): બોલિવુડ એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી છે. આત્મહત્યાના સમાચાર સાંભળતા તેમનો ચાહક વર્ગમાં શોકની લાગણી પ્રસરી છે. મૈક્લોડગંજમાં બંધ રૂમમાં ગળેફાંસો લગાવેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ અને ફોરેન્સિકની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આસિફ બસરા ડિપ્રેશનનો શિકાર હતા.
આસિફ બસરા મૈક્લોડગંજમાં ભાડેથી રહેતા હતા. તેઓ છેલ્લા 6 મહિનાથી મૈક્લોડગંજ સ્થિત એક મકાનમાં રહેતા હતા.
કૂતરાના બેલ્ટથી ગળાફાંસો ખાધો
આસિફ બસર 12 નવેમ્બરના રોજ તેમના પાલતુ કૂતરા સાથે ફરવા નિકળ્યા હતા અને ત્યારબાદ ઘરે આવીને કૂતરાના બેલ્ટથી ગળેફાંસો ખાધો હતો. પોલીસને શરૂઆતની તપાસમાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું લાગે છે. SP વિમુક્ત રંજનના મતે પ્રાથમિક તપાસમાં ડિપ્રેશનની વાત સામે આવી છે.
સુશાંત સિંહ રાજપૂત સહિત અનેક સુપર સ્ટાર સાથે કામ કર્યું
આસિફ બસરાના કરિયરની વાત કરીએ તો તેમણે ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ એક્ટરે નાના પડદાથી લઇને મોટા પડદા સુધી પોતાની એક્ટીંગનો જાદુ યથાવત રાખ્યો હતો. તેમણે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘કાયપો છે’માં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
હિચકી, બ્લેક ફ્રાઇડે, એક વિલન, કૃષ 3, વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ જેવી 30 ફિલ્મ્સમાં આસિફ બસરાએ કામ કર્યું છે.
વેબસિરિઝમાં પણ અનોખો અભિનય
આસિફ બસરાની વેબસિરિઝની વાત કરીએ તો તેમણે પાતાલ લોક અને હોસ્ટેજ સિવાયની અનેક સિરિઝમાં પણ કામ કર્યું છે.