ન્યૂઝ ડેસ્કઃ આ મહિને બાદમાં ભારત અને પાકિસ્તાનના સિંધુ કમિશનરોની બેઠક યોજાવાની છે, તે પહેલાં ઇટીવી ભારતે ભારતના સિંધુ કમિશનર પ્રદીપકુમાર સક્સેના સાથે વાત કરીને સિંધુ જળ સંધિ, તેની પ્રાસંગિક અસરો અને તેમાંથી શું આશા રાખી શકાય તે વિશે જાણવા વાત કરી.
ઇન્ટરવ્યૂના અંશો
સિંધુ નદીના જળની સંધિ વિશે ટૂંકી વિગત અમને જણાવશો.
19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. તેની જોગવાઈઓ હેઠળ, પૂર્વની નદીઓ- સતલજ, બ્યાસ અને રવિ જેમનો સરેરાશ વાર્ષિક પ્રવાહ 3.3 કરોડ ઍકર ફીટ (એમએએફ) છે તે ભારતને તેના અનિયંત્રિત ઉપયોગ માટે ફાળવવામાં આવ્યો. વધુમાં, ભારતે પશ્ચિમી નદીઓ- સિંધુ, ઝેલમ અને ચેનાબ, જેમનો સરેરાશ વાર્ષિક પ્રવાહ 13.5 કરોડ ઍકર ફીટ (એમએએફ) છે, તેનું બધું જળ પાકિસ્તાનને આપવાનું હતું અને આ જળમાં કોઈ હસ્તક્ષેપની અનુમતિ નથી, સિવાય કે સંધિમાં જોગવાઈ મુજબ ઘરેલુ અને બિન -ઉપભોગ વપરાશ. ડિઝાઇન અને સંચાલન માટે જે ચોક્કસ ધોરણો નક્કી કરાયાં છે, તેને આધીન, ભારતને પણ પશ્ચિમી નદીઓ પર જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે અનિયંત્રિત અધિકાર આપવામાં આવ્યો છે.
ચેનાબ નદી પર ભારતીય જળવિદ્યુત પરિયોજનાઓની ડિઝાઇન અંગે પાકિસ્તાન ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. તમારું આના પર શું કહેવું છે?
સંધિ હેઠળ ભારતના અધિકારોનો પૂર્ણ ઉપયોગ કરવા ભારત પ્રતિબદ્ધ છે અને તે આના માટે કામ કરી રહ્યું છે. અમે ચર્ચા દ્વારા મુદ્દાઓના સૌહાર્દપૂર્ણ નિરાકરણમાં માનીએ છીએ. બેઠક દરમિયાન, ચેનાબ નદી પર ભારતીય જળવિદ્યુત પરિયોજનાઓની ડિઝાઇન સામે પાકિસ્તાનના વાંધાઓ પર ચર્ચા થઈ શકે છે. એવી આશા છે કે ચાલુ રહેલી ચર્ચા સાથે આ મુદ્દાઓ પર એક ઉકેલ મળી આવશે.
ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સિંધુ જળ સંધિ કેટલી પ્રાસંગિક છે?
આ સંધિ સિંધુના જળના ઉપયોગના અધિકારો તેમજ એકબીજા પ્રત્યેની ફરજોની મર્યાદા નક્કી કરે છે અને સુવ્યાખ્યાતિ વ્યવસ્થા દ્વારા મુદ્દાના ઉકેલ માટે જોગવાઈ કરે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના સંદર્ભમાં આગામી બેઠક કેટલી અગત્યની છે?
સંધિની જોગવાઈઓ હેઠળ, બંને કમિશનરો માટે વર્ષમાં એક વાર, ભારત અને પાકિસ્તાનમાં એકાંતરે વર્ષે મળવું ફરજિયાત છે. ગયા વર્ષની બેઠક નવી દિલ્લીમાં માર્ચ 2020માં યોજાવાની હતી, પરંતુ સંધિ પર હસ્તાક્ષર થયા તે પછી પહેલી વાર પરસ્પર સંમતિથી કોરોના રોગચાળાની પરિસ્થિતિના કારણએ તે રદ્દ કરવામાં આવી. હવે સ્થિતિમાં સુધારો થયો હોવાથી આ ફરજિયાત બેઠક કૉવિડ-19 સંબંધિત નિયમો સાથે યોજાઈ રહી છે.
કલમ 370 હેઠળ વિશેષ જોગવાઈઓ રદ્દ થયા પછી આ પહેલી બેઠક યોજાશે તો નવી કઈ બાબતની આશા રાખી શકાય? સિંધુ જળ સમજૂતીમાં ભારતની ભૂમિકા કેવી હશે?
વાર્ષિક બેઠક ફરજિયાત છે અને બેઠક માટેની કાર્યસૂચિ (એજન્ડા) બેઠક પહેલાં બંને કમિશનરો દ્વારા નક્કી કરવામાં આવશે. ભારત આ સંધિમાં હસ્તાક્ષર કરનાર એક પક્ષ છે.
આગળ વધીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સંઘર્ષ અને સહકારને જોતાં શું અસર હોઈ શકે?
સંધિની કલમ નવમાં જોગવાઈ છે કે પહેલાં કમિશનરો, પછી સરકારો અને પછી ત્રાહિત પક્ષ એમ વિવાદ ઉકેલ માટે બહુસ્તરીય વ્યવસ્થા છે.
ભારત અને પાકિસ્તાનના સિંધુ કમિશનરો સ્થાયી સિંધુ પંચની વાર્ષિક બેઠકમાં હશે. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો પૂરો પાડતી કલમ 370 હેઠળ વિશેષ જોગવાઈઓ નાબૂદ કરાયા પછી બંને કમિશનરો વચ્ચે આ પહેલી બેઠક હશે. આ રાજ્ય (જમ્મુ-કાશ્મીર) બાદમાં બે કેન્દ્ર શાસિત પ્રદેશો- લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં વહેંચી દેવાયું છે.
અહેવાલો મુજબ, ભારતે લદાખમાં અનેક જળ વિદ્યુત પરિયોજનાઓ મંજૂર થઈ છે. તેમાં ડર્બુક શ્યોક (19 મે.વૉ.), શંકર (18.5 મે.વૉ.), નિમુ ચિલિંગ (24 મે. વૉ.), રૉન્ડો (12 મે. વૉ.), રતન નાગ (10.5 મે. વૉ.) નો સમાવેશ થાય છે. જ્યારે મેંગડુમ સાંગ્રા (19 મે. વૉ.), કારગિલ હંડરમેન (25 મે. વૉ.) અને તમાશા (12 મે. વૉ.) કારગિલ માટે મંજૂર થઈ છે.
સિંધુ જળ સંધિ શા માટે આવશ્યક છે તેની ટૂંકી પૃષ્ઠભૂમિ આપશો.
ભારતના સિંધુ કમિશનર પી. કે. સક્સેનાએ કહ્યું કે વિભાજન પછી વહેંચાયેલા નદી જળ અંગે અધિકારો અને ફરજો આવશ્યક બન્યા હતા.
જળશક્તિ મંત્રાલય, જળ સંસાધન વિભાગ, નદી વિકાસ, ગંગા પુનર્જીવન અનુસાર સ્વતંત્રતા સમયે, નવા સર્જાયેલા સ્વતંત્ર દેશો- પાકિસ્તાન અને ભારત વચ્ચે સરહદ રેખા સિંધુ તટ પ્રદેશ આસપાસ દોરવામાં આવી હતી, તેનાથી પાકિસ્તાન તળેટીમાં આવેલ નદી તટ પ્રદેશ બન્યું હતું.
વધુમાં, બે અગત્યની સિંચાઈ યોજનાઓ, એક રવિ નદી પર માધોપુર ખાતે અને અન્ય સતલજ નદી પર ફિરોઝપુર ખાતે હતી. જેના પરની સિંચાઈ કેનાલ પંજાબ (પાકિસ્તાનમાં) પાણી પૂરું પાડે છે, તે સંપૂર્ણપણે નિર્ભર હતી અને તે ભારતના પ્રદેશમાં આવતી હતી.
આ રીતે પ્રવર્તમાન સુવિધાઓમાંથી સિંચાઈના પાણીના વપરાશ સંદર્ભે બંને દેશ વચ્ચે વિવાદ ઉદ્ભવ્યો.
ઇન્ટરનેશનલ બૅન્ક ફૉર રિકન્સ્ટ્રક્શન ઍન્ડ ડેવલપમેન્ટ (વિશ્વ બૅન્ક)ની મધ્યસ્થીમાં વાટાઘાટો યોજાઈ જે ૧૯૬૦માં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષરમાં પરિણમી. 19 સપ્ટેમ્બર 1960ના રોજ પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ ફિલ્ડ માર્શલ મોહમ્મદ અયૂબ ખાન અને ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમજ વિશ્વ બૅન્કના ડબ્લ્યુ.એ.બી. ઇલિફ દ્વારા કરાચી ખાતે સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. જોકે આ સંધિ 1 એપ્રિલ 1960થી લાગુ કરવામાં આવી. 1960માં સંધિ પર હસ્તાક્ષર કરાયા તે પછીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે 115 બેઠકો થઈ ચૂકી છે.
ચંદ્રકલા ચૌધરી, ઇટીવી ભારત, નવી દિલ્હી