કૈરોઃ સુદાનના મિલિટરી અને શક્તિશાળી પેરામિલિટરી ગ્રૂપ વચ્ચેના સંઘર્ષમાં 9000થી વધુ લોકો માર્યા ગયા છે. જે વર્તમાનનો સૌથી વધુ મૃતાંક ધરાવતો સંઘર્ષ ગણાઈ રહ્યો છે. આ નિવેદન યુનાઈટેડ નેશન્સના ચિફે રવિવારે આપ્યું છે. સુદાન એપ્રિલના મધ્યથી એટલે કે છેલ્લા 6 મહિનાથી આ સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. સુદાનમાં મિલિટરી ચિફ જનરલ આબ્દેલ-ફતેહ-બુરહાન અને પેરામિલિટરી રેપિડ સપોર્ટ ફોર્સીસના જનરલ મોહમ્મદ હમદાન ડાગલો વચ્ચેનું ઘર્ષણ ભયાવહ બનતું જાય છે.
યુદ્ધના રેલા આફ્રિકન દેશો સુધી પહોંચ્યાઃ યુએન અન્ડર સેક્રેટરી જનરલ માર્ટિન ગ્રિફિથે કહ્યું કે છેલ્લા છ મહિનાથી સુદાનના નાગરિકો કત્લેઆમ અને આતંકવાદનો સામનો કરી રહ્યા છે. સુદાનમાંથી સતત બળાત્કાર અને જાતિય હિંસાના સમાચાર આવી રહ્યા છે. આ સંઘર્ષ પહેલા ખારટોમમાં શરૂ થયું હતો, ત્યારબાદ આ યુદ્ધના રેલા આફ્રિકન દેશો સુધી પહોંચી ગયા છે જેમાં પશ્ચિમ દારફુર પ્રદેશ યુદ્ધની ઝપટમાં આવી ગયો છે.
9000થી વધુ નાગરિકોનો ભોગ લેવાયોઃ ગ્રિફિથ આગળ જણાવે છે કે, આ લોહિયાણ યુદ્ધમાં 9000થી વધુ નાગરિકો માર્યા ગયા છે. તેમજ લાખો લોકોને તેમના ઘરમાંથી હાંકી કઢાયા છે અને બીજા દેશોમાં શરણ લેવા માટે મજબૂર કરાયા છે. આ સંઘર્ષે લીધે નિર્દોષ નાગરિકો જીવનજરૂરી ચીજ વસ્તુઓથી વંચિત બન્યા છે અને લાચાર અવસ્થામાં જીવી રહ્યા છે. પડોશી દેશમાં શરણ લેતા લાખો શરણાર્થીઓને અત્યારે પ્રાથમિક મદદની તાતી જરૂરિયાત છે.
દેશની અડધી વસ્તીને અસરઃ યુએન માઈગ્રેશન એજન્સી અનુસાર 4.5 મિલિયનથી વધુ લોકો સુદાનમાંથી હડસેલી દેવાયા છે. જ્યારે 1.2 મિલિયન લોકોને પાડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે. દેશના 25 મિલિયન લોકો એટલે કે અડધા જેટલી વસ્તીને પ્રાથમિક જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહી નથી. દેશની રાજધાનીમાં કોલેરા ફાટી નીકળવાના સમાચાર પણ છે. ખારટોરમ, કોરડોફાન અને કદારિફમાં 1,000થી વધુ શંકાસ્પદ કેસો નોંધાયા છે.
માનવતા વિરુદ્ધ ગુનોઃ યુદ્ધ શરૂ થયું ત્યારથી ગ્રેટર ખારટોમ, પૂર્વીય ખારટોમ અને ઓમદુરમાન યુદ્ધ છાવણીમાં ફેરવાઈ ગયા છે. આ વિસ્તારોમાં વારંવાર હવાઈહુમલા અને બોમ્બમારાને પરિણામે જનજીવન છિન્ન ભિન્ન બની ગયું છે. ખારટોમ અને દારફુરમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના રિપોર્ટ આવી રહ્યા છે. આ બળાત્કાર રેપિડ સપોર્ટ ફોર્સ દ્વારા કરવામાં આવી રહ્યાના રિપોર્ટ છે. યુએન દ્વારા રેપિડ સપોર્ટ ફોર્સ અને તેના સહયોગી આરબ મિલિટિયસને દોષી ઠેરવવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રોસીક્યુટરે જુલાઈમાં દારફુરમાં થતા કત્લેઆમ અને યુદ્ધને માનવતા વિરુદ્ધ ગુનો ગણાવ્યો છે.