કરાચી: પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં પોલિયો ટીમને એસ્કોર્ટ કરી રહેલા પોલીસ કર્મચારીઓને લઈ જતી ટ્રકને નિશાન બનાવતા બુધવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને અન્ય 23 લોકો ઈજાગ્રસ્ત થયા.(BOMBER TARGETS POLICE TRUCK IN PAKISTAN ) એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ઈજાગ્રસ્તોમાં 20 સુરક્ષાકર્મીઓ પણ સામેલ છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે પોલિયો રસીકરણ અભિયાનમાં સામેલ કામદારોની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓને લઈ જતી ટ્રક ક્વેટાના બલેલી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.
વાહન તૂટી પડ્યું: 'ડૉન' અખબારે ક્વેટાના નાયબ પોલીસ મહાનિરીક્ષક ગુલામ અઝફર મહેસરને ટાંકીને જણાવ્યું હતું કે, "આ હુમલો એક પોલીસ ટ્રક પાસે થયો હતો, જેના કારણે પોલિયો ડ્યુટી પર તૈનાત કર્મચારીઓને સુરક્ષા આપવા જઈ રહેલા પોલીસ કર્મચારીઓનું વાહન તૂટી પડ્યું હતું." ઘટનાસ્થળ પર પત્રકારો સાથે વાત કરતા મહેસરે કહ્યું, "ગુનાના સ્થળેથી અને ટ્રક પલટી ગયેલી જોઈને અનુમાન છે કે હુમલામાં 25 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે." વિસ્ફોટની ઝપેટમાં કુલ ત્રણ વાહનો આવી ગયા હતા.
ત્રણ નાગરિકો ઈજાગ્રસ્ત થયા: તેમણે કહ્યું કે, આ હુમલો આત્મઘાતી હુમલો હતો કારણ કે સ્થળ પરથી આત્મઘાતી બોમ્બરના અવશેષો મળી આવ્યા હતા અને ઓછામાં ઓછા ત્રણ વાહનોને ટક્કર મારી હતી. મહેસરના જણાવ્યા અનુસાર, હુમલામાં લગભગ 20 પોલીસ કર્મચારીઓ અને ત્રણ નાગરિકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે જણાવ્યું કે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓમાંથી બેની હાલત ગંભીર છે. વડાપ્રધાન શહેબાઝ શરીફે લક્ષિત હુમલાની નિંદા કરી અને ઘટનાની ઝડપી તપાસના આદેશ આપ્યા હતા.
હુમલાની જવાબદારી: પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)(Tehreek e Taliban ) એ હુમલાની જવાબદારી લીધી છે. બે દિવસ પહેલા, TTPએ તેના લડવૈયાઓને સરકાર સાથે યુદ્ધવિરામ પાછો ખેંચીને, દેશભરમાં હુમલાઓ શરૂ કરવા માટે હાકલ કરી હતી. TTPએ કહ્યું કે આ હુમલો ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં અબ્દુલ વલી ઉર્ફે ઉમર ખાલિદ ખોરાસાનીની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.