વોશિંગ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. તેમણે શુક્રવારે સ્ટેટ ડિનરનું આયોજન કરવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનો આભાર માન્યો હતો. આ પહેલા વડાપ્રધાન મોદીએ યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ બીજી વખત છે જ્યારે પીએમ મોદીએ અમેરિકી સંસદને સંબોધન કર્યું છે. આ દરમિયાન પીએમએ ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
સેનેટરોને ઓટોગ્રાફ આપ્યા: સંસદમાં હાજર સેનેટરો પીએમ મોદીના સંબોધનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પીએમ મોદીના સમગ્ર સંબોધન દરમિયાન સેનેટરોએ 79 વખત તાળીઓ પાડી અને 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું. સંબોધન બાદ પીએમ મોદીએ અમેરિકી સેનેટરોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. અમેરિકી સંસદ પહોંચતા પહેલા સેનેટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોતા જોવા મળ્યા હતા. પીએમ મોદી સંસદમાં પ્રવેશતાની સાથે જ આખી સેનેટ તાળીઓના ગડગડાટ અને 'મોદી-મોદી' ના નારાથી ગુંજી ઉઠી હતી.
તાળીઓ પાડીને આવકારતા: સેનેટ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સેનેટરો સાથે હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. સંબોધન પહેલા સુધી સેનેટર પીએમ મોદીને તાળીઓ પાડીને આવકારતા રહ્યા. સૌથી પહેલા પીએમ મોદીએ 'નમસ્કાર' કહીને સૌનું સ્વાગત કર્યું. તાળીઓના ગડગડાટ અને 'મોદી-મોદી' ના નારાઓ વચ્ચે મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા)માં ઘણી પ્રગતિ થઈ છે પરંતુ તે જ સમયે ભારત-અમેરિકા સંબંધોમાં વધુ એક AI છે.
ભારત માતા કી જય: પીએમ મોદીના સંબોધન બાદ સમગ્ર સેનેટ ફરી એકવાર 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. આ પછી પીએમએ બધા સાથે હાથ મિલાવ્યા અને સેનેટરોને ઓટોગ્રાફ પણ આપ્યા. લાંબા સમય સુધી પીએમ મોદી સેનેટરોથી ઘેરાયેલા જોવા મળ્યા.