ગાંધીનગર: ગ્લોબલ ગુજરાત સમિટ અંતર્ગત મલેશિયા ખાતે પ્રથમ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ‘ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન’ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સિંગાપોરના પ્રવાસે છે.
પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ધાટન: મલેશિયાની મુલાકાતના બીજા દિવસે, માનનીય મંત્રી બલવંતસિંહ રાજપૂત, વિદેશ મંત્રાલયના માનનીય રાજ્યમંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહ, મલેશિયાના YB સેનેટર અને ઉદ્યોગ સાહસિકતા અને સહકારી વિકાસના માનનીય નાયબ મંત્રી સુ સરસ્વતી કંડાસામી, અને કુઆલાલંપુર ખાતેના ભારતીય હાઈ કમિશનર વાય.એન.એ મલેશિયામાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયન ઓરિજિન (GOPIO) ની પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ધાટન કર્યુ. સમિટમાં 15 વિવિધ રાષ્ટ્રોના પર્સન ઓફ ઈન્ડિયન ઓરીજીન (PIO)એ ભાગ લીધો હતો.
'વિકસિત ભારત @2047'નું વિઝન: માનનીય મંત્રી બળવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી અને PIO સમુદાયને માનનીય વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047'ના વિઝનને સાકાર કરવા ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા. આ પહેલ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી અને ગુજરાતમાં રોકાણની તકો એક્સપ્લોર કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવાનું આમંત્રણ આપ્યું હતું.
ગુજરાતમાં રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન આપ્યુ: સમિટ દરમિયાન ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર IAS ડો. રાહુલ ગુપ્તા એ પણ ગુજરાતમાં રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન આપ્યુ હતુ.