લંડન : ટીવી પ્રોડક્શન અને પત્રકારત્વ ક્ષેત્રમાં 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ભારતીય મૂળના ડો. સમીર શાહ બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશનના (BBC) નવા અધ્યક્ષ પદ માટે યુકે સરકારના મનપસંદ ઉમેદવાર છે. તેઓ 71 વર્ષીય શાહ રિચર્ડ શાર્પનું સ્થાન લેશે. ઉલ્લેખનિય છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સાથેની શાહ રિચર્ડની વાતચીત લીક થઈ હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવ્યા બાદ રિચર્ડને રાજીનામું આપવું પડ્યું હતું.
BBC નવા અધ્યક્ષ : બ્રિટનના સંસ્કૃતિપ્રધાન લૂસી ફ્રેઝરે નિમણૂક પ્રક્રિયા હેઠળ પસંદગીની પુષ્ટિ કરતા બુધવારે જણાવ્યું હતું કે, ટીવી પ્રોડક્શન અને પત્રકારત્વમાં 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ડો. શાહ બીબીસી અધ્યક્ષ પદ માટેની જરૂરી યોગ્યતા ધરાવે છે. ઝડપથી બદલાતા મીડિયા લેન્ડસ્કેપમાં બીબીસીને સફળ બનાવવાની તેમની મહત્વાકાંક્ષા ખૂબ જ સ્પષ્ટ છે. તેમાં કોઈ શંકા નથી કે તેઓ બીબીસીને ભવિષ્યના પડકારોને દૂર કરવામાં મદદ કરવામાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે.
ભારતીય મૂળના ડો. સમીર શાહ : ઔરંગાબાદમાં જન્મેલા ડો. સમીર શાહ 1960 માં ઈંગ્લેન્ડ આવ્યા હતા. અગાઉ તેમણે BBC માં વર્તમાન બાબતો અને રાજકીય કાર્યક્રમોના પ્રમુખ તરીકે કામ કર્યું હતું. ડો. સમીર શાહે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે બીબીસી વૈશ્વિક સંસ્કૃતિમાં આપણું સૌથી મહત્વપૂર્ણ યોગદાન છે. જો મારી કુશળતા, અનુભવ અને જાહેર સેવા પ્રસારણની સમજણથી હું આ સંસ્થાને આવનારા વિવિધ પડકારો માટે તૈયાર કરી શકું તો તે મારા માટે સન્માનની વાત હશે.
મેનેજમેન્ટના ટોચ પર એક પત્રકાર : BBC પ્રવક્તાએ કહ્યું કે, અમે આ ઘોષણાને આવકારીએ છીએ કે બીબીસી અધ્યક્ષની ભૂમિકા નિભાવવા માટે સરકારના પસંદગીના ઉમેદવાર તરીકે સમીર શાહની પસંદગી કરવામાં આવી છે. ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ બોર્ડમાં જોડાય તેવી અપેક્ષા છે. સમીર શાહની પસંદગીને મોટા બદલાવ તરીકે જોવામાં આવી રહી છે. કારણ કે હવે બીબીસી મેનેજમેન્ટના ટોચ પર એક પત્રકાર હશે.
BBC માં પરિવર્તનની લહેર : બ્રિટિશ બ્રોડકાસ્ટ કોર્પોરેશનના (BBC) એક સ્વતંત્ર સંસ્થા છે, પરંતુ તેના અધ્યક્ષની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે. BBC નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, તેવા સમયે સમીર શાહની નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીબીસીનો ઉદ્દેશ્ય વધી રહેલી મોંઘવારી અને ટીવી લાયસન્સ ખર્ચ પર બે વર્ષના ફ્રીઝ વચ્ચે 500 કરોડ પાઉન્ડની બચત કરવાનો છે. સમીર શાહને લાયસન્સ ફી અંગે સરકાર સાથે વાટાઘાટો કરવાની કામગીરી પણ સોંપવામાં આવશે.