નવી દિલ્હીઃ ભારત અને માલદીવ વચ્ચે રાજકીય વિવાદ પર માલદીવના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અહમદ અદીબે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે માલદીવ દેવા તળે દટાયેલ અને ચીનના પ્રભાવ હેઠળ હોવાથી શ્રીલંકા જેવી દુર્દશા તરફ આગળ વધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ મહત્વપૂર્ણ અને નાજૂક સ્થિતિમાં ચીન સાથે સંબંધ વધારવો અને માલદીવના સૌથી જૂના સહયોગી સાથેના સંબંધમાં તણાવ પેદા કરવો તે માલદીવ સરકારની મુર્ખતા છે. તેવું નિવેદન પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અહમદ અદીબે આપ્યું છે.
ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત દરમિયા પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ મુઈજ્જુને પૂર્વ રાષ્ટ્રપતિ યામીન દ્વારા પાર્ટીનું સુકાન વિરાસતમાં મળ્યું છે. જેમણે 'ભારત બહાર' અભિયાન ચલાવ્યું હતું. રાષ્ટ્રપતિ મુઈજ્જુ રાજકારણ રમીને આતંકવાદીઓને ખુશ કરી રહ્યા છે, જે માલદીવની કમનસીબી છે. વર્તમાનમાં માલદીવને ભારતના સમર્થનની જરુર છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોવિડ બાદ હજૂ પણ ચીની બજારમાં વૃદ્ધિ થઈ નથી અને ચીની પ્રવાસીઓની સંખ્યા પણ વધી નથી. અત્યારે જો તેમની પાર્ટી દ્વારા નીતિમાં પરિવર્તન અને પાર્ટીના લોકોને ખુશ રાખવાની કોશિશોતી કામ ચાલશે નહીં. પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અદીબ જણાવે છે કે, રાષ્ટ્રપતિ મુઈજ્જુ એક મોટો જૂગાર રમી રહ્યા છે. જેમાં તેઓ હારશે. માલદીવના પરંપરાગત અને ભરોસામંદ પાર્ટનર ભારત પર વિશ્વાસ મુકવો વધુ સુરક્ષિત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, માલદીવના રાષ્ટ્રપતિ મુઈજ્જુએ પહેલા ભારતની વિદેશ યાત્રા કરવી જોઈએ, ત્યારબાદ અન્ય દેશોની વિદેશ યાત્રા કર્યા બાદ નીતિમાં પરિવર્તન કરવું જોઈએ. આપણે આપણા પાડોશી દેશો સાથે સુમેળભર્યો સંબંધ રાખવો જોઈએ. માલદીવ અને ભારત વચ્ચે રાજકીય વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાષ્ટ્રપતિ મુઈજ્જુ ચીનની યાત્રા પર ગયા છે.
માલદીવના કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ભારત વિરુદ્ધ જે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તે ફરીથી ન થાય તે માલદીવે સુનિશ્ચિત કરવું જોઈએ. પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અદીબ જણાવે છે કે માત્ર મંત્રીઓને સસ્પેન્ડ કરવા પૂરતું નથી પરંતુ પદ પરથી પણ દૂર કરવા જોઈએ. તેમજ માલદીવ સરકારે ભારતની માફી પણ માંગવી જોઈએ. રાષ્ટ્રપતિ મુઈજ્જુએ વડા પ્રધાન સુધી પોતાની વાત પહોંચાડવી જોઈએ.
તેમણે આગળ જણાવ્યું કે, વિવાદ વધી રહ્યો છે જે એક સંપૂર્ણ રાજકીય સંકટ બની રહ્યો છે. ભારતીયો તરફથી ખૂબજ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. તેથી અમારે સત્વરે તેનો ઉકેલ શોધવો જોઈએ. માલદીવ સરકારે વધુ જવાબદારી પૂર્વક વર્તવુ પડશે. આપણે એકબીજા સાથે જોડાયેલ છીએ અને ઐતિહાસિક રીતે પણ માલદીવને અત્યારે મદદની બહુ જરુર છે.
છેલ્લા 5 વર્ષથી ભારતનું વલણ બદલાયું નથી, અમને ભારતની વિદેશી સહાયતા અને બજેટ સમર્થનની જરુર છે, કારણ કે અમારે 1 બિલિયન ડોલર્સનું દેવું ચૂકવવાનું છે. જે 2026 સુધી ચૂકવવાનું છે. રાષ્ટ્રપતિ મુઈજ્જુને પણ વખત જતા સમજાશે કે આ વિવાદ માલદીવ માટે યોગ્ય નથી. આ ક્ષણે માલદીવ સરકારે સમગ્ર વિવાદ શાંત કરી દેવો જોઈએ.