સાન ફ્રાન્સિસ્કોઃ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને બુધવારે યુએસ ચીન શિખર સમ્મેલનમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ચર્ચા કરી હતી. એક સીનિયર અમેરિકન ઓફિસર દ્વારા અધિકૃત જાણકારી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બાઈડેને મધ્યપૂર્વની સ્થિતિ પર ભાર મુક્યો હતો. સીએનએન મુદ્દે પણ સઘન ચર્ચા થઈ. ચાયનીઝ મીડિયા અનુસાર જિનપિંગે તાઈવાનની આઝાદીને ચીન સમર્થન કરતું નથી તે બાબતનું અમેરિકા સમ્માન કરે. અમેરિકાએ તાઈવાન સાથેના સંબંધોમાં આ મુદ્દે ધ્યાન રાખવું જોઈએ.
ચાયનીઝ મીડિયા શિન્હુઆ અનુસાર જિનપિંગે ચીન ફરીથી આંતરિક એકત્રિકરણ કરશે તેમ જણાવ્યું હતું. તેમજ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તાઈવાન પ્રત્યેના અમેરિકાના વલણનો મુદ્દો મહત્વપૂર્ણ અને જોખમી છે. રિપોર્ટ અનુસાર જિનપિંગે બાઈડન સમક્ષ તાઈવાન સાથેનું શાંતિપૂર્ણ પુનર્મિલન ચીનની પ્રાથમિકતા હોવાનું સ્પષ્ટ કર્યુ છે. જિનપિંગે કઈ પરિસ્થિતિઓમાં બળ પ્રયોગ કરીશું તેનો પણ ચિતાર બાઈડનને આપ્યો હતો. આ દરમિયાન બાઈડને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે અમેરિકા પ્રતિબદ્ધ છે તે જણાવ્યું હતું.
સીએનએન અનુસાર જિનપિંગે શાંતિની વાતો તો ઠીક છે પણ કેટલાક મુદ્દે અમારે વધારે સઘન સમાધાન તરફ આગળ વધવાની જરુર હોવાનું જણાવ્યું હતું. અમેરિકાએ ચીનને તાઈવાનમાં થનારા મતદાનનું સમ્માન કરવા જણાવ્યું હતું. ચીને તાઈવાનની આસપાસ સૈન્ય ગતિવિધિ વધારી દીધી છે તેમ છતા અધિકારીઓએ ચીન મોટા પાયે આક્રમણ નહીં કરે તેવી ધારણા સાથે બેઠકનું સમાપન કર્યુ હતું.
આ બેઠક દરમિયાન, બાઈડેને જિનપિંગ સમક્ષ તણાવને ઘટાડવા માટે ઈરાન પર ચીનના પ્રભાવનો લાભ લેવાનો આગ્રહ કર્યો હતો. આ દરમિયાન ચાયનીઝ વિદેશ પ્રધાન વાંગ યીએ જણાવ્યું કે તેઓ પહેલા આ મામલે ઈરાનની સરકાર સાથે વાતચીત કરી ચૂક્યા છે. જો કે આ મુદ્દે ઈરાનની ગંભીરતાને લઈને કોઈ નક્કર આશ્વાસન સામે આવ્યું નથી. સીએનએન અનુસાર બાઈડને સ્પષ્ટ રુપે કહ્યું કે હમાસને વ્યાપક પેલેસ્ટાઈન મુદ્દે અલગ ગણવું જોઈએ. સમગ્ર વાતચીત દરમિયાન અમેરિકન અધિકારીએ માહિતી આપી કે જિનપિંગે અમેરિકામાં ચીનના વિષયક થતી ચર્ચા-વિચારણા સંદર્ભે સ્પષ્ટતાઓ કરી છે. જિનપિંગ ચીન વિષયક થતી ચર્ચાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે.
શિખર સમિટ બાદ એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ સીએનએનને જણાવ્યું કે બાઈડેન અને શી ફેંટેનાઈલ ઉત્પાદન પર વાતચીત કરવા અને સૈન્ય સંચાર વ્યવસ્થા સ્થાપવા પર સહમત થયા છે. જો કે આ મુદ્દે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. ચીને અમેરિકા માટે માથાનો દુખાવો બનેલ ફેંટેનલ ડ્રગ્સ માટે આવશ્યક રસાયણ બનાવતી કંપનીઓ પર કાર્યવાહી કરવા તૈયારી દર્શાવી છે. અમેરિકા ચીનની આ મુદ્દે કાર્યવાહીનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ પણ કરશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ચાયનીઝ રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે કેલિફોર્નિયાની એક મનોરમ્ય હવેલીમાં મુલાકાત કરવાનું નક્કી કર્યુ હતું. પોત પોતાના ડેલિગેટ્સ સાથે એક વિશાળ મેજ પર થયેલ બેઠકમાં બંને દેશોએ એકબીજા સાથે ટકરાવાને બદલે સહયોગને પ્રાધાન્ય આપવાનું વધુ યોગ્ય ગણ્યું હતું.
અમેરિક રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રતિસ્પર્ધા એ સંઘર્ષમાં ન પરિવર્તિત થઈ જાય. આપણે આ મુદ્દે જવાબદારી પૂર્વક પણ વર્તવાનું રહેશે. યુએસએ આ જ ધારણા અનુસાર કાર્ય કરી રહ્યું છે. સમગ્ર વિશ્વ આ બંને દેશો વચ્ચે સ્પષ્ટ આદાન-પ્રદાન થાય તેમ ઈચ્છે છે.
અમારા લોકો અને સમગ્ર વિશ્વ પ્રત્યે આપણી જવાબદારીઓ અદા કરવામાં આપણે સાથે મળીને કામ કરીએ તે આપણા હિતમાં છે. ક્લાઈમેટ ચેન્જ, માદક દ્રવ્યો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ગંભીર વૈશ્વિક પડકારોમાં આપણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે.
જિનપિંગે સંભવિત સૈન્યના ખોટા અનુમાનો કરતા તંત્ર પર કરવામાં આવતી કામગીરીમાં સહમતિ દર્શાવી છે. તેમણે બંને પક્ષો માટે પોતાની ચિંતાઓને વ્યક્ત કરવા માટે એક મંચ સ્થાપિત કરવા પર પણ ભાર મુક્યો હતો. સીએનએનની રિપોર્ટ અનુસાર પડકારો છતા, શિખર સમ્મેલન સકારાત્મક રીતે સંપન્ન થયું. બાઈડેને ચર્ચા સફળ રહી હોવાનું જણાવ્યું હતું.