મોસ્કોઃ લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે થયેલા ભયાનક વિસ્ફોટમાં 70થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. લગભગ 4 હજાર લોકો ઘાયલ થયા છે. આ પછી, ઘણાં દેશો લેબનોનને મદદ કરવા આગળ આવી રહ્યાં છે. દરમિયાન, રશિયાએ તબીબી ટીમો અને રાહત સામગ્રી મોકલી છે. રશિયાના અધિકારીઓએ જણાવ્યું કે, મોબાઈલ હોસ્પિટલના તબીબો, બચાવ કર્મચારીઓ અને જાહેર આરોગ્ય સર્વેલન્સ સાથે 5 વિમાનો રવાના કરવામાં આવ્યા છે.
રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોના રોગચાળાને પગલે બચાવ ટીમના તમામ સભ્યો પાસે વિશેષ અને રક્ષણાત્મક પોશાકો હશે. લેબનોનના જનરલ સિક્યુરિટીના ચીફ, અબ્બાસ ઇબ્રાહિમે જણાવ્યું હતું કે, વિસ્ફોટ અતિશય વિસ્ફોટક સામગ્રીને કારણે થઈ શકે છે. આ વિસ્ફોટક(confiscated high explosive material)પદાર્થને થોડા સમય પહેલા જહાજમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો અને બંદર પર રાખવામાં આવ્યો હતો.
કોરોના વાઈરસ અને આર્થિક સંકટનો ભોગ બનેલા દેશમાં વિસ્ફોટ પછી એક નવું સંકટ ઉભું થયું છે. બ્લાસ્ટના કેટલાક કલાકો બાદ એમ્બ્યુલન્સ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જઈ રહી હતી. હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. વિસ્ફોટ પછી, ઘણા દેશો લેબનોનને મદદ કરવા આગળ આવી રહ્યાં છે. આ ઘટના અંગે યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પેઓએ બેરૂતની પ્રજા પ્રત્યે ગહન સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે. આ ઘટને અંગે ટ્વિટ કર્યું છે કે, બેરૂતમાં મોટા વિસ્ફોટમાં જાન અને સંપત્તિના નુકસાનથી તેઓ દુઃખી છે.