- ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અબુધાબીની મુલાકાતે
- બન્ને દેશો વચ્ચે કેટલાક મુદ્દાઓને લઈને કરવામાં આવી ચર્ચા
- પાકિસ્તાનના વિદેશ પ્રધાન પણ અબુધાબીમાં હોવાથી અનેક તર્ક વિતર્કો
અબુધાબી: ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવિવારે અબુધાબી પહોંચીને શેખ અબદુલ્લા બિન ઝાયેદ અલ નાહયાનની મુલાકાત લીધી હતી. બન્ને વચ્ચે યોજાયેલી બેઠકમાં દ્વિપક્ષીય આર્થિક સહયોગ અને પારસ્પરિક તેમજ ક્ષેત્રીય હિતો અંગોના મુદ્દા પર ચર્ચા થઈ હતી. એસ. જયશંકર આ અગાઉ કોરોનાની પ્રથમ લહેર દરમિયાન 25 અને 26 નવેમ્બરના રોજ UAEના પ્રવાસે ગયા હતા. જ્યાં શેખ અબદુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન પણ UAEના પ્રવાસે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, વિદેશ પ્રધાન એસ. જયશંકર UAEનું નિમંત્રણ મળતા 18 એપ્રિલના રોજ અબુધાબી જશે. જ્યાં તેઓ આર્થિક સહયોગ અને સામુદાયિક કલ્યાણ અંગે વાતચીત કરશે. રસપ્રદ બાબત એ છે કે, વિદેશ પ્રધાન એસ. જયશંકરના UAE પ્રવાસ વખતે જ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશ પણ UAEની 3 દિવસીય મુલાકાતે છે. અહેવાલો મુજબ, UAE પાડોશી દેશો ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો અંગે મધ્યસ્થી કરીને સંવાદ યોજે તેવું ચર્ચાઈ રહ્યું છે.