તેલ અવીવઃ અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઈડની હત્યા મામલે ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ પ્રદર્શનકારીઓને સમર્થન આપવાં ઈઝરાયલમાં પણ લોકોએ અમેરિકી રાજનિયક મિશન બહાર વિરોધ પ્રદર્શન કરી આ ઘટનાની નિંદા કરી હતી.
ઈઝરાયલમાં પણ જ્યોર્જ ફ્લોઈડના મોતને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. 200 કરતાં પણ વધારે દેખાવકારોએ હાથમાં 'બ્લેક લાઈવ્સ મેટર, ઓલ લાઈવ્સ મેટર' સુત્રોના બેનરો લઈ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
46 વર્ષીય જ્યોર્જ ફ્લોઈડ નામના અશ્વેત વ્યક્તિની પોલીસ દ્વારા થયેલી હત્યા મામલે અમેરિકામાં હાહાકાર મચી ગયો છે. એક બાજુ કોરોના તો બીજી બાજુ અનેક લોકો આ ઘટનાને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, આ સાથે જ મોલ્સ અને મોટી મોટી દુકાનોમાં લોકો લૂંટ અને તોડફોડ કરી રહ્યાં છે.
આ સમગ્ર ઘટના એક પોલીસ અધિકારીની નિર્મમતાને કારણે ઉભી થઈ છે, તેમણે 25 મે ના રોજ 46 વર્ષીય જ્યોર્જ ફ્લોઈડને ગરદન પર પગ વડે દબાણ આપી પકડી રાખ્યો હતો. આ દરમિયાન ફ્લોઈડ કહેતો રહ્યો કે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.. પ્લીઝ મને છોડી દો.. હું શ્વાસ નથી લઈ શકતો. પરંતુ પોલીસની નિર્મમતાને લીધે ફ્લોઈડે પોતાને જીવ ગુમાવવો પડયો હતો.