પેરિસ: ફ્રાંસના વડાપ્રધાન એડૌર્ડ ફિલીપે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફિલિપે 3 વર્ષ સુધી રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોંની સરકારનું નેતૃત્વ કર્યું હતું. ફ્રાન્સમાં મૈક્રોં કરતા ફિલિપ વધુ લોકપ્રિય માનવામાં આવે છે, પરંતુ તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં શાસક પક્ષ 'લા રિપબ્લિક એન માર્ચ'નું ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ આવાસ એલિસી પેલેસે પણ ફિલિપના વડા પ્રધાનપદેથી રાજીનામું આપવાની સ્પષ્ટતા કરી છે.
અહેવાલો અનુસાર ફિલિપે રાષ્ટ્રપતિ મૈક્રોં સાથે મુલાકાત કરી અને બંનેએ સંમત થયા કે હાલની સરકારે રાજીનામું આપવું જોઈએ. એડૌર્ડ ફિલિપના રાજીનામા બાદ સરકારમાં ફેરફારની અપેક્ષા છે. જ્યાં સુધી નવા મંત્રીમંડળનું નામ ન આવે ત્યાં સુધી ફિલિપ સરકારી કામકાજ પર દેખરેખ રાખશે. છેલ્લા કેટલાક દિવસોથી, એવી અટકળો ચાલી રહી હતી કે દેશના રાષ્ટ્રપતિ મૈક્રોં, પ્રધાનમંડળમાં ફેરબદલ કરી શકે છે. મૈક્રોં તેની ઘટી રહેલી વિશ્વસનીયતા વધારવા અને મતદારોનું દિલ જીતવા માટે આ ફેરબદલ ફરી કરી શકે.