કાબુલ : અમેરીકા અને તાલિબાન વચ્ચે 29 ફેબ્રુઆરીએ થયેલી શાંતિ સમજૂતિ 48 કલાક પણ ટકી શકી નહી. હવે થોડાં દિવસોમાં સ્થિતિ એટલી બગડી ગઈ છે કે અમેરીકાએ બુધવારે તાલિબાની ફાઈટર્સ પર એરસ્ટ્રાઈક કરી છે. અમેરીકન ફોર્સે આ એરસ્ટ્રાઈક અફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતમાં કરી છે. જ્યાં તાલિબાનનો એક મોટો અડ્ડો હતો.
અમેરિકી સેના પ્રમાણે અમેરિકાએ આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે તાલિબાનીઓએ બુધવારના અફઘાનિસ્તાનના સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો અને તેમાં 20ના મોત થયા હતા.
અમેરિકા અને તાલિબાનમાં થયેલા શાંતિ કરાર બાદ જ્યારે અફઘાનિસ્તાને કેટલાક સૈનિકોને મુક્ત કરવાની ના કહી દીધી તો ખેલ બગડી ગયો, ત્યારબાદ તરત જ તાલિબાન કરારથી અલગ થયું અને બુધવારના હુમલો કરવાનું શરૂ કરી દીધું. તાલિબાનીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 20 અફઘાની સુરક્ષાદળો માર્યા ગયા છે. તાલિબાન તરફથી કુંદૂજ વિસ્તારમાં ત્રણ આર્મી પોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં અફઘાન આર્મીના જવાનો અને પોલીસ હાજર હતી.
મંગળવારે મોડી સાંજે ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનના ડેપ્યૂટી લીડર મુલ્લા અબ્દુલ ગની સાથે ફોન પર વાત કરી અને 10 માર્ચથી શરૂ થઈ રહેલી ડીલમાં સાથે આવવાનું કહ્યું. વ્હાઈટ હાઉસમાં કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે જાણકારી આપી હતી કે તેમની અને તાલિબાની નેતાઓ વચ્ચેની વાતચીત સફળ રહી છે, તેઓ હિંસાને છોડવા માટે તૈયાર છે. જો કે, આ નિવેદનની થોડીવાર બાદ તાલિબાને એક્શન શરૂ કરી દીધી હતી.