કાબુલ: અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં રવિવારે આત્મઘાતી કાર સાથે બોમ્બ હુમલો થયો હતો. જેમાં હુમલાખોર અને અનેક બંદૂકધારીઓમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તેમજ અન્ય 20 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
આ અંગે નાંગરહાર પ્રાંતના રાજ્યપાલના પ્રવક્તા અતાઉલ્લાહ ખોગયાનીએ જણાવ્યું કે, રાજધાની જલાલાબાદમાં રવિવારે રાત્રે અફઘાન સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. બીજી તરફ પાંતીય પરિષદના પ્રમુખે જણાવ્યું હતું કે, આ હુમલામાં 15 લોકો ઘાયલ થયાં છે. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યાં છે, ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, આ બ્લાસ્ટમાં ઘણાં બાળકો ઘાયલ થયાં છે.
જો કે, ઇદ ઉલના એક દિવસ પહેલાં થયેલા આ હુમલાની કોઈ તાલિબાનોએ જવાબદારી લીધી નથી. આ તહેવારને ધ્યાનમાં રાખીને તાલિબાનોએ ત્રણ દિવસની યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે, યુદ્ધવિરામ ચાલું છે. તેમણે આ હુમલા માટે ગુપ્તચર એજન્સીઓને દોષી ઠેરવી હતી અને કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે, અફઘાનિસ્તાનમાં લડાઈ ચાલુ રહે.