- ઘણા સમય પછી ફરી હજારો બાળકો તેમના વર્ગોમાં પાછા ફર્યા
- શિક્ષકોએ ફૂલ અને ચોકલેટ સાથે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું
- 17 માર્ચ 2020 ના રોજ શાળાઓ બંધ કરવામાં આવી હતી
ઢાકા: બાંગ્લાદેશની COVID-19 મહામારીની સ્થિતિમાં સુધારો થયો અને રસીકરણ કાર્યક્રમોમાં ઝડપ આવવા સાથે જ 543 દિવસ પછી રવિવારે શાળાઓ ફરી ખોલવામાં આવી અને હજારો બાળકો તેમના વર્ગોમાં પાછા ફર્યા.
બાળકોના ચહેરા પર માસ્ક હોવા છતાં ખુશી જોવા મળી
સ્કૂલના ગણવેશ પહેરેલા બાળકોના ચહેરા પર માસ્ક હોવા છતાં ખુશી જોવા મળી હતી. કેટલાય બાળકો ઉત્સાહિત થઇને સમય પહેલા જ વર્ગોમાં પહોંચી ગયા. કેટલીક સ્કૂલોમાં શિક્ષકોએ ફૂલ અને ચોકલેટ સાથે પોતાના વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. ભીડભાડથી બચવા માટે વાલીઓને પ્રવેશ દ્વાર પર જ રોકવામાં આવ્યા હતા.
સુરક્ષા પગલાંના અમલમાં કોઈ પણ બેદરકારી સામે ચેતવણી અપાઇ
શિક્ષણપ્રધાન દીપુ મોનીએ સુરક્ષા પગલાંના અમલમાં કોઈ પણ બેદરકારી સામે ચેતવણી આપી છે. અગાઉ, અધિકારીઓએ કહ્યું હતું કે, તમામ વર્ગો શરૂઆતમાં અઠવાડિયામાં એકવાર ચાલશે. મોનીએ ઢાકાના અઝીમપુર વિસ્તારમાં એક શાળાની મુલાકાત લીધા બાદ કહ્યું, 'જો એવું લાગશે કે, સંક્રમણ ફરી ફેલાઈ રહ્યું છે, તો સરકાર ઓનલાઇન વર્ગો ફરી શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે.'બાંગ્લાદેશમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાની શરૂઆત થયા બાદ 17 માર્ચ 2020 ના રોજ શાળાઓ બંધ કરવામાં આવી હતી.