કાબુલ: અફઘાનિસ્તાનના ઉત્તરી પ્રાંત જૌજાનના મર્દાન જિલ્લામાં મંગળવારે સાંજે રસ્તાની બાજુમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટના કારણે રિક્ષામાં સવાર 6 લોકોના મોત નીપજ્યા હતા. જોકે અત્યાર કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી.
ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારીક અરિયાને જણાવ્યું હતું કે, વિસ્ફોટ મંગળવારે સાંજે જૌજાન પ્રાંતમાં થયો હતો. મર્દાન જિલ્લામાં રોડના કિનારે વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી હતી.
આરીયાને આ હુમલો માટે તાલિબાનને જવાબદાર ગણાવ્યું છે. અફઘાનિસ્તાનમાં હાલ હિંસા વધી રહી છે. મોટાભાગના હુમલાઓની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડાયેલા સ્થાનિક જૂથો દ્વારા લેવામાં આવી છે.
જૂન માસના શરૂઆતમાં ISએ કાબુલની એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટની જવાબદારી લીધી હતી, જેમાં એક ઇમામ સહિત બે લોકોના મોત નીપજ્યા હતાં. આ હુમલામાં 8 નમાઝી ઘાયલ થયા હતા.
એક અઠવાડિયા પછી, કાબુલની બીજી મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઇમામ અને ત્રણ નમાઝીઓ પણ માર્યા ગયા હતા. આ હુમલામાં 8 નમાઝી ઘાયલ થયા હતા. તાલિબાન દ્વારા મસ્જિદ પર થયેલા હુમલાની નિંદા કરવામાં આવી હતી.
ગત મહિને રાજધાનીની પ્રસૂતિ હોસ્પિટલમાં થયેલા હુમલા માટે અમેરિકાએ પણ આઈએસને દોષી ઠેરવ્યો હતો. આ હુમલામાં, બે નવજાત શિશુઓ સહિત 24 લોકો માર્યા ગયા હતા.