- પાકિસ્તાને સ્વીકાર્યું કે મુંબઈ હુમલામાં તેનો હાથ હતો
- પાકિસ્તાને 1210 આતંકવાદીઓની યાદી જાહેર કરી
- 2008ના મુંબઈ હુમલાના આતંકવાદીઓના નામ જાહેર
ઈસ્લામાબાદઃ પાકિસ્તાને 1210 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદી બહાર પાડી છે, જેમાં મુંબઈ આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓના પણ નામ છે. આ યાદી ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની એન્ટી ટેરરિઝમ યુનિટે જાહેર કરી છે. મહત્ત્વની વાત એ છે કે, આ યાદીમાં લંડનમાં રહાતા મુત્તાહિદા કોમી મુવમેન્ટ (એમક્યૂએમ)ના નેતા અલ્તાફ હુસૈન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના કાર્યકર્તા નાસીર ભટ્ટનું પણ નામ છે. યાદીમાં 2008ના મુંબઈ હુમલામાં જોડાયેલા આતંકીઓના પણ નામ અને સરનામા પણ છે. પાકિસ્તાને જાહેર કરેલી યાદીમાં આતંકવાદીઓનું નામ, પિતાનું નામ અને સરનામું છે. આ સાથે જો કોઈ આતંકવાદી પર ઈનામ જાહેર કરાયું છે તો તેની પણ માહિતી આમાં સામેલ છે.
મુંબઈ હુમલા માટે બોટ ખરીદનાર આતંકવાદી અજમદ ખાનનું નામ પહેલું
પાકિસ્તાને જાહેર કરેલી આતંકવાદીઓની યાદીમાં 19 નામ કોઈકને કોઈક રીતે મુંબઈ આતંકી હુમલામાં જોડાયેલા છે. પહેલું નામ અજમદ ખાનનું છે, જે લશ્કર-એ-તૈયબાનો પૂર્વ સભ્ય છે. તેણે અલ ફૌઝ બોટ ખરીદી હતી, જેનો ઉપયોગ મુંબઈ હુમલામાં કરવામાં આવ્યો હતો. બીજું નામ ઈફ્તિખાર અલીનું છે, જેની ઓળખ લશ્કરના પૂર્વ સભ્ય તરીકે કરવામાં આવી છે. વિગતો અનુસાર, આણે મુંબઈ હુમલો કરનારા આતંકવાદીઓ સાથે વાત કરવા માટે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (વીઓઆઈપી) કનેક્શન મેળવ્યું હતું. આ યાદીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને વડાપ્રધાન શૌકત અઝીઝ પર હુમલો કરનારા શંકાસ્પદોનું પણ નામ સામેલ છે.