- વિશ્વાસ મત હાંસલ કરવાની પ્રક્રિયા પર ઉભા થયા સવાલો
- પીડીએમ પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને પુનઃ ચૂંટણીની કરી માગ
- સાંસદો પર દબાણ રાખીને વિશ્વાસનો મત અપાવવામાં આવ્યો હોવાના આક્ષેપો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના અગ્રણી વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન ઇમરાન ખાનને શનિવારે રાજીનામું આપવાની અને પુનઃ ચૂંટણી યોજવાની માંગ કરી છે. સંસદમાં ખાને વિશ્વાસ મત મેળવ્યા બાદ વિપક્ષી નેતાઓએ આ માંગણી કરી હતી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીની સૂચના પર આયોજીત એક વિશેષ સત્ર દરમિયાન, ઇમરાન ખાને સંસદના 342 સદસ્યોના નીચલા ગૃહમાં 178 સભ્યોનો ટેકો મેળવ્યો હતો. વિશ્વાસનો મત મેળવવાની પ્રક્રિયામાં વિરોધ પક્ષની ગેરહાજરી હતી. કારણ કે, પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ(પીડીએમ)એ 11 પક્ષોના ગઠબંધન દ્વારા મતનો બહિષ્કાર કર્યો હતો. પીડીએમ પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને પહેલા પ્રતિક્રિયા આપી હતી અને સિંધ પ્રાંતના સુક્કુરમાં મીડિયા કર્મચારીઓને કહ્યું હતું કે, આ વિશ્વાસ મતનો કોઈ અર્થ નથી.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં વિરોધી પક્ષોએ ઇમરાન સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધની ઘોષણા કરી
મત આપવા માટે સાંસદો પર દબાણ કરવામાં આવ્યું
પીડીએમ પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને કહ્યું કે, 'આ કોઈ વિશ્વાસનો મત નહોતો. અમે જાણીએ છીએ કે કઈ એજન્સીઓ દ્વારા રાત્રિના સમયે સાંસદોના ઘરો પર નજર રાખવામાં આવી રહી હતી.(અમે જાણીએ છીએ) કોણે દરેક સભ્યની હાજરી સુનિશ્ચિત કરવા માટે તેમના દરવાજા ખખડાવ્યા હતા. આ કહેવા પાછળ તેમનો સંદર્ભ એવા અહેવાલોનો હતો કે જેમાં સરકારે ઇસ્લામાબાદની લોજમાં સંસદ સભ્યોને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જેથી બધા જ સભ્યો પાવર ટેસ્ટ દરમિયાન સંસદમાં હાજર રહે. રહેમાને આરોપ લગાવ્યો કે, સાંસદોને વડાપ્રધાન ખાનની તરફેણમાં મત આપવા દબાણ કરવામાં આવ્યું છે. તેમણે વડાપ્રધાનને નવી ચૂંટણી યોજીને હિંમત બતાવવા અને જનતા પાસેથી વિશ્વાસ મત મેળવવા માટે પડકાર આપ્યો હતો.
મરિયમ નવાઝે ઇમરાન ખાન પર કર્યા આક્ષેપો
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના નેતા મરિયમ નવાઝે પીડીએમની બેઠક બાદ કહ્યું કે, ઈમરાન ખાનના દિવસો હવે ગણાઈ ગયા છે. તેમણે કહ્યું કે, 'હવે તેમના જવાનો સમય આવી ગયો છે.' તેમણે ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના 'બદમાશો' તેમજ પીએમએલ-એનની પ્રવક્તા મરિયમ ઔરંગઝેબ, પૂર્વ વડા પ્રધાન શાહિદ ખકાન અબ્બાસી અને ભૂતપૂર્વ ગૃહપ્રધાન અહસન ઇકબાલ સહિતના અન્ય નેતાઓ પર પણ નિશાન સાધ્યું હતું. મરિયમે કહ્યું કે, 'હું ગર્વની લાગણી અનુભવુ છું કે જે રીતે તમે કેટલાક ડઝન ભાડૂતી ગુંડાઓનો સામનો કર્યો.' આ સાથે તેમણે ઔરંગઝેબ પર થયેલા હુમલા અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.
આ પણ વાંચો: ફજલુર રહમાન દ્વારા ઇમરાનના વિરૂદ્ધ કડક નિર્ણય લેવાના સંકેત
અવિશ્વાસનો મત નિરર્થક છે: બિલાવલ ભુટ્ટો
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પીડીએમની બેઠક બાદ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, સેનેટની બેઠક ગુમાવ્યા બાદ ખાનનો પર્દાફાશ થયો હતો અને વિશ્વાસનો મત રદ્દ કરાયો હતો. તેમણે કહ્યું કે, 'અમે પહેલેથી જ જીત મેળવી લીધી છે અને પરિવર્તનનો સમય આવી ગયો છે.' આ પ્રતિક્રિયાઓથી સ્પષ્ટ છે કે, ટ્રસ્ટ વોટ જીત્યા બાદ પણ ખાન અને વિપક્ષી નેતાઓ વચ્ચેની રાજકીય દુશ્મનાવટ પૂરી થઈ નથી.