ટોક્યોઃ કોરોના વાઇરસના નિયંત્રણમાં વધુ સારા પરિણામો દર્શાવ્યા બાદ જાપાનની સરકારે રાષ્ટ્રીય કટોકટીને હટાવી દીધી છે. જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ કોરોના પોઝિટિવ કેસમાં તીવ્ર ઘટાડો થયાં બાદ દેશમાં લાદેલી આરોગ્ય કટોકટીને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આ જાહેરાત બાદ સ્થિર થયેલી આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થશે. તમને જણાવી દઈએ કે, જાપાનમાં કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને 7 એપ્રિલના રોજ ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી. હવે લગભગ દોઢ મહિના બાદ હટાવી દેવામાં આવી છે.
જાપાનની એક એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન શિંઝો આબેએ આ જાહેરાત કરી હતી. જેમાં આબેએ કહ્યું કે, જાપાન છેલ્લા કેટલાક મહિનાઓથી એક મોટી આફતનો સામનો કરી રહ્યું છે, પરંતુ અમે કટોકટીને દૂર કરતા રહેલા ખુબ જ કડક નિયમો બનાવ્યાં હતાં. હવે અમે આ નિયમોમાં છૂટ આપીએ છીએ. જો કે, હજુ કેટલાક નિયમો લાગુ રહેશે, પરંતુ દેશમાંથી રાષ્ટ્રીય કટોકટીને દૂર કરવામાં આવે છે.
વડાપ્રધાન શિંઝો આબેએ કહ્યું કે, દેશ કોરોનાને ફેલાતો રોકવામાં સફળ થયો છે. જાપાનમાં કટોકટી ખતમ થવાને સાથે વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા ગતિ મેળવવાનું શરૂ કરશે. હવે ધંધા અને ઉદ્યોગના વ્યવસાય ખુલશે. આ સાથે શાળાઓ પણ ફરીથી ખોલવામાં આવશે.
મહત્વનું છે કે, જાપાનમાં અન્ય દેશોની તુલનામાં કરોનો વાઇરસનો ચેપ ઓછો ફેલાયો હતો. અહીં કોરોનાને કારણે થતા મોતનો આંકડો નીતે આવ્યો છે. અત્યાર સુધીમાં જાપાનમાં કોરોના વાઇરસના 16,550 કેસ નોંધાયા છે. જાપાનમાં કોરોનાને કારણે કુલ 820 લોકોનાં મોત થયાં છે. લોકડાઉન દરમિયાન ટોક્યો સંપૂર્ણપણે શાંત રહ્યું હતું. જાપાનમાં કોરોના વાઇરસના શરૂઆતના દિવસોમાં દરરોજ લગભગ 700 કેસ નોંધાઈ રહ્યાં હતાં, પરંતુ હવે માત્ર થોડાક જ કેસ બાકી રહ્યાં છે.