ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો કોરોના વાઇરસનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ઇમરાન ખાને મંગળવારે આ ટેસ્ટ કરાવ્યો હતો. ઇધી ફાઉન્ડેશનના ફૈઝલ ઇધી સાથે ઇમરાન ખાને 15 એપ્રિલે મુલાકાત કરી હતી. ફૈઝલ ઇધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી ઇમરાન ખાનને પણ આ ટેસ્ટ કરાવવો પડ્યો હતો.
ઇમરાન ખાનને કોવિડ 19 ટેસ્ટ રિપોર્ટ 24 કલાકમાં બુધવારે આવ્યો હતો. શૌકત ખાતન મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં ડૉકટરોએ ઇમરાન ખાનની તપાસ કરી હતી અને તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
પ્રોટોકોલ હેઠળ કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિને મળ્યા બાદ પોતે ક્વોરન્ટાઇનમાં રહેવું જોઇએ. તમને જણાવીએ તો પાકિસ્તાનમાં મંગળવારે કોરોના વાઇરસથી વધુ 16 લોકોના મોત થયા હતા, જેથી દેશમાં મૃતકોની સંખ્યા 192 થઇ છે, જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા વધીને 9 હજારથી વધુ પહોંચી છે.
આ પહેલા ફૈઝલ ઇધીના દિકરા સાદે જણાવ્યું હતું કે, 15 એપ્રિલે ઇસ્લામાબાદમાં ઇમરાન ખાનની સાથે બેઠક બાદ તરત જ એક અઠવાડિયામાં તેના પિતામાં સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા. લક્ષણ ચાર દિવસ સુધી રહ્યા અને પછી તેમાં ઘટાડો નોંધાયો હતો. તેમણે કહ્યું કે, તેના પિતા હાલમાં સમયમાં ઇસ્લામાબાદમાં છે અને તેની તબિયત સારી છે.