વુહાન: વૈશ્વિક કોરોના વાઈરસ રોગચાળાની ઉત્પત્તિ અને 1.1 કરોડની વસ્તી ધરાવતું શહેર વુહાન શનિવારે આંશિક રીતે ખુલ્યું હતું. જાન્યુઆરીમાં વુહાન શહેરમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું.
વુહાન શહેરના રહેવાસીઓને શહેર છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શહેરની હદમાં રોડ બ્લોકીંગ રિંગ્સ લગાવવામાં આવી હતી. રોજિંદા જીવન પર સખત પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. પરંતુ હવે મોટા પરિવહન અને ઔદ્યોગિક કેન્દ્રો શરુ થવાના સંકેતો જણાઈ રહ્યાં છે.
મળતી માહિતી મુજબ સત્તાવાર રીતે મંજૂરી મળેલી પહેલી ટ્રેન શહેરમાં પ્રવેશ કરતી જોવા મળી હતી. શનિવારે રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. તેમાંના મોટાભાગના લોકોની પાસે સૂટકેસ હતી. જોકે, મુસાફરી પર પ્રતિબંધ હળવો થતાં કેટલાક લોકો શુક્રવારે શહેર પહોંચી ગયા હતા. એક મહિલાએ કહ્યું કે, તે અને તેની પુત્રી લગભગ દસ અઠવાડિયાથી તેમના પતિથી દૂર છે.
વુહાનમાં કોરોનાએ થોડી રાહત આપી છે. પરંતુ અન્ય દેશો હજી તેની ઝપેટમાં આવી રહ્યાં છે. કોરોના વાઈરસ કાળ બની લોકોના જીવ લઈ રહ્યો છે.