કાઠમાંડૂઃ સૂત્રોએ જણાવ્યું છે કે, પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને હાલના વડાપ્રધાન કેપી શર્મા ઓલી વચ્ચે કોઈપણ મુદ્દે કોઈ સમજૂતી થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટીની અંદરના ગતિરોધને ઘટાડવા માટે આગળની વાટાઘાટો ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (એનસીપી)ની સ્થાયી સમિતિની બેઠક પણ 8 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી છે.
નેપાળના વડાપ્રધાન, તેમના જ પક્ષના નેતાઓના રાજીનામાના દબાણનો સામનો કરી રહ્યાં છે. પી.શર્મા ઓલીનું ભવિષ્ય નક્કી કરવા માટે શાસક સામ્યવાદી પાર્ટીની સ્થાયી સમિતિની મહત્વપૂર્ણ બેઠક બુધવાર (8 જુલાઈ) સુધી મુલતવી રાખવામાં આવી છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાનના મીડિયા સલાહકાર સૂર્ય થાપાએ જણાવ્યું હતું કે, આ બેઠક બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ બેઠક શનિવારે પણ મુલતવી રાખવામાં આવી હતી. વડાપ્રધાન ઓલી અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના સહ અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદો પેદા થયા છે.
સોમવારે સ્થાયી સમિતિની બેઠક મુલતવી રાખવાનાં કારણો હજુ જાણવા મળ્યા નથી. પહેલેથી બે વાર મુલતવી રાખવામાં આવેલી સ્થાયી સમિતિની બેઠકમાં સોમવારે 68 વર્ષીય વડાપ્રધાનના રાજકીય ભાવિનો નિર્ણય લેવાની અપેક્ષા રાખવામાં આવી હતી. રવિવારે પણ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે બેઠક કરી હતી, જેનું કોઈ પરિણામ આવ્યું નહોતું. ઓલી દેશના આર્મી ચીફ પુરનાચંદ્ર થાપાને પણ મળ્યા હતા.
ભૂતપૂર્વ વડાપ્રધાન-પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' સહિત એનસીપીના ટોચના નેતાઓએ વડાપ્રધાન ઓલીના રાજીનામાની માંગ કરી હતી અને કહ્યું હતું કે તેમનું તાજેતરનું ભારત વિરોધી નિવેદન 'રાજકીય રીતે યોગ્ય નથી'.