- કોરોનાનો નવો Lambda Variant આવ્યો સામે
- પેરૂ બાદ વિશ્વના 29 દેશોમાં નોંધાઈ રહ્યા છે કેસ
- WHO દ્વારા Variant Of Interest કરાયો જાહેર
ન્યૂઝ ડેસ્ક : WHO ના સાપ્તાહિક અપડેટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોનાના નવા વેરિયન્ટ Lambda ના કેસ વિશ્વના 29 દેશોમાં નોંધાઈ રહ્યા છે. આ દેશોમાં સૌથી વધારે દેશો સાઉથ અમેરિકામાં નોંધાયા છે. જ્યાંથી આ વેરિયન્ટ ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ પેરૂમાં જોવા મળેલા લામ્બડા વેરિયન્ટ (Lambda Variant) ના કેસમાં એકાએક નોંધાયેલા વધારાને કારણે WHO એ તેની ગંભીરતાથી નોંધ લીધી હતી.
પેરૂમાં એપ્રિલ 2021થી કોરોનાના 81 ટકા કેસ Lambda Variant ના
WHO ના રિપોર્ટ પ્રમાણે, પેરૂમાં એપ્રિલ 2021થી અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના કેસના 81 ટકા કેસ Lambda Variant ના છે. જ્યારે ચિલે (Chile)માં છેલ્લા 60 દિવસમાં નોંધાયેલા કુલ કેસના 32 ટકા કેસ આ વેરિયન્ટના છે. બ્રાઝિલ, આર્જેન્ટિના, ઈક્વાડોર સહિત 29 દેશમાં Lambda Variant ના કેસ નોંધાઈ રહ્યા છે.
WHO દ્વારા 'વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ' જાહેર કરાયો
WHO એ 15 જૂનના રોજ પ્રકાશિત કરેલા પોતાના રિપોર્ટમાં લામ્બડા વેરિયન્ટ (Lambda Variant) ને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (Variant Of Interest) જાહેર કર્યો છે. જેના કારણે હવે WHO આ વેરિયન્ટના તમામ કેસનું સઘન મોનિટરિંગ કરશે. મોનિટરિંગના તારણો આવ્યા બાદ Lambda Variant ને કોરોનાના આલ્ફા (Alpha), બેટા (Beta), ગામા (Gamma) તેમજ ડેલ્ટા (Delta) વેરિયન્ટ સાથે વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant of Concern) એટલે કે ચિંતા કરવા લાયક વેરિયન્ટ્સની યાદીમાં શામેલ કરી શકાશે.
Lambda Variant ના હોઈ શકે છે અનેક મ્યુટેશન્સ, હજુ પણ વધારે રિસર્ચની જરૂર - WHO
WHO એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, Lambda Variant ના વિવિધ મ્યુટેશન (Mutation) હોઈ શકે છે. જેમાં વાઈરસની સંક્રમણ પ્રસરાવવાની તીવ્રતા તેમજ એન્ટીબોડી સામેની પ્રતિકાર શક્તિ વધારે હોઈ શકે છે. જોકે, આ વેરિયન્ટને સમજવા માટે હજુ પણ સંશોધનો કરવાની જરૂર છે.
ભારતમાંથી મળી આવેલ Delta Variant ને 11 મે ના રોજ કરાયો હતો Variant Of Concern જાહેર
ભારતમાં કોરોનાની બીજી લહેર માટે કોરોનાનો Delta Variant સંભવિત રીતે જવાબદાર છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા 11 મે ના રોજ તેને Variant Of Concern જાહેર કરવામાં આવ્યો હતો. આ જાહેરાત કરતા અગાઉ WHO દ્વારા તેનું ઘણા સમય સુધી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.