વોશિંગ્ટન: અમેરિકાની એબોટ લેબોરેટરીએ કોરોના વાઈરસના સંક્રમણની તપાસ માટે કિટ તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. જેના દ્વારા પાંચ મિનિટમાં કોઈ વ્યક્તિને કોરોના વાઈરસનું સંક્રમણ હશે તો તે જાણી શકાશે. આ કિટ આગામી એક સપ્તાહમાં માર્કેટમાં આવશે. તેને અમેરિકાના અલગ-અલગ શહેરોમાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં પણ દર્દી પોઝિટિવ છે કે નેગેટિવ છે તે તરત જ જાણી શકાશે.
આ લેબનું નામ એબોટ છે. જેના પ્રમુખ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર રોબર્ટ ફોર્ડે જણાવ્યું હતું કે, આ કિટનો આકાર એક નાના ટોસ્ટર જેવો છે. જેમાં મોલ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિટથી કોરોના પોઝિટિવનું રિઝલ્ટ માત્ર 5 મિનિટમાં અને નેગેટિવ રિપોર્ટનું રિઝલ્ટ 13 મિનિટમાં જાણી શકાય છે.
અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કિટ તૈયાર કરવા માટે અમને એક સપ્તાહનો સમય આપ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, હોસ્પિટલની બહાર પણ આ કિટનો ઉપયોગ સરળતાથી કરી શકાશે. અમારી કંપની વહીવટીતંત્ર સાથે મળીને આ કિટને મહામારીનો સામનો કરી રહેલા શહેરમાં મોકવાની તૈયારી કરાઈ રહી છે.
જો કે, અધિકારીઓએ આ અંગે કોઈ મંજૂરી આપી નથી. આ કિટનો ઉપયોગ માત્ર ઈમરજન્સીમાં જ કરવાનની વાત કરી છે. લેબના પ્રમુખે કહ્યું હતું કે, પહેેલી એપ્રિલથી રોજ 50 હજાર કિટ બનાવવામાં આવશે. અમેરિકાના વિવિધ શહેરોમાં તેને મોકલવાની મંજૂરી લેવામાં આવી રહી છે.