એમ્બેસેડર અશોક મુખરજી, સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ
ન્યૂઝ ડેસ્ક: અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 29મેના રોજ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે, અમેરિકા “વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથેના તેના સંબંધોને તોડી નાખે છે અને તેને અપાતું ફંડ વિશ્વની અન્ય જાહેર આરોગ્યમાં કામ કરતી યોગ્ય સંસ્થાઓને અપાશે”. પ્રમુખે અગાઉ WHOને પત્ર લખીને માગણી કરી હતી કે, “આગામી 30 દિવસમાં મહત્ત્વના સુધારા થવા જોઈએ”. તે ના થયા તેના કારણે આ પગલું લેવાયું હતું. વૈશ્વિક સહકારથી કામ કરવાની જગ્યાએ પોતાની સ્થાનિક બાબતોને અગ્રતા આપવાની અમેરિકાની આવી નીતિ પહેલેથી જ રહી છે.
ઑક્ટોબર 2017માં પણ અમેરિકાએ આ જ રીતે છેક નવેમ્બર 1945માં રચાયેલા યુનેસ્કોમાંથી નીકળી જવાનું નક્કી કર્યું હતું. યુનેસ્કોની પ્રથમ કારોબારીના સભ્ય અને અમેરિકન લેખકે જ યુનેસ્કોના બંધારણની પ્રસ્તાવના લખી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે “યુદ્ધની શરૂઆત માણસના મનમાં થાય છે, તેથી શાંતિના રક્ષકોએ મનુષ્યોના માનસનું જ ઘડતર કરવું જોઈએ.” “યુનેસ્કોમાં એરિયર્સ વધતું જાય છે, સંસ્થામાં મૂળભૂત સુધારાની જરૂર છે અને ઇઝરાયલ વિરુદ્ધની માનસિકતા યુનેસ્કોમાં રહેલી છે,” એવા કારણોસર ટ્રમ્પ વહિવટીતંત્રે યુનેસ્કો છોડી દીધાનું મનાતું હતું.
જૂન 2018માં અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ (HRC)માંથી પણ નીકળી જવાનું નક્કી કર્યું હતું. સપ્ટેમ્બર 2005માં યુએનની 60મી જયંતી વખતે સર્વાનુમતે તેની સ્થાપના થઈ હતી. જોકે મે 2006માં અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં આ સંસ્થાની સ્થાપનાનો વિરોધ કર્યો હતો. ઇઝરાયલ, પલાઉ અને માર્શલ્સ આઇલેન્ડને પણ વિરોધ કર્યો હતો. તેમને લાગતું હતું કે જે દેશો “માનવ અધિકારોના ભંગની બાબતમાં સૌથી વધુ ખરાબ” હોય તેના સભ્યો પણ આ સંસ્થામાં ચૂંટાતા અટકશે નહિ. 2006-2009 દરમિયાન HRC પોતાના નિયમો ઘડતી રહી અને તેમાં “પેલેસ્ટાઇન તથા આરબના કબજામાં રહેલા વિસ્તારોમાં માનવ અધિકારોની સ્થિતિ”ના સાતમા એજન્ડા સહિતના એજન્ડા પર કામ કરતું રહ્યું.
2006માં HRCની ચૂંટણી ના લડીને અમેરિકાએ ઇઝરાયલને લગતા એજન્ડા સાત અંગે મહત્ત્વની કામગીરી હતી, ત્યારે ગેરહાજર રહેવાનું નક્કી કર્યું હતું. તેથી એ વક્રતા છે કે, આ સંસ્થા પર ઇઝરાયલ વિરુદ્ધની માનસિકતાનો આરોપ લગાવી ટ્રમ્પે તેમને છોડી દીધી.
ટ્રમ્પે WHOમાં મહત્ત્ના સુધારાની માગણી કરી હતી, પણ તે શું તે સ્પષ્ટ થતું નથી. પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે “વિશ્વ આરોગ્ય સંસ્થા પર ચીનનું સંપૂર્ણ નિયંત્રણ છે” અને તેણે WHO પર દબાણ લાવીને “ચીનને સૌ પ્રથમ ખ્યાલ આવ્યો હતો, તે વાઇરસ અંગે વિશ્વને ગેરમાર્ગે દોર્યું હતું”. જો કે, 24 જાન્યુઆરી 2020ના રોજ પ્રમુખ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે “ચીન કોરોના વાઇરસને કાબૂમાં લેવા ઘણી મહેતન કરી રહ્યું છે”. કોરોના વાઇરસ વિશેની પત્રકાર પરિષદમાં 29 ફેબ્રુઆરીએ પણ ટ્રમ્પે કહ્યું હતું કે “ચીન ખૂબ સારી કામગીરી કરી રહ્યું હોય તેમ લાગે છે”.
વિશ્વ આરોગ્ય સંસ્થાની કામગીરી જોઈએ તો ચીને પ્રથમવાર 31 ડિસેમ્બર 2019ના રોજ વૂહાનમાં ન્યૂમોનિયાના ક્લસ્ટર કેસ નોંધ્યા ત્યારે તેણે ઇન્સિડેન્ટ મેનેજમેન્ટ સપોર્ટ ટીમ તૈયાર કરી હતી. જેથી ચીન તેને સંભાળી શકે. 34 દેશોના સભ્યો સાથેની કારોબારી ધરાવતા WHOમાં અમેરિકા પણ 2018-2021 માટે ચૂંટાયેલું સભ્ય છે. 3થી 6 ફેબ્રુઆરીના રોજ બોર્ડની બેઠક મળી હતી અને તેમાં Covid-19 વિશે ડિરેક્ટર જનરલે માહિતી આપી હતી.
જો કે, કોવીડ-19 સામે ચીને કેવી કામગીરી કરી છે તેની તપાસ માટેની આ બેઠકમાં અમેરિકાના પ્રમુખના પ્રતિનિધિ એડમિરલ બ્રેટ ગિરોઇર સમયસર સેનેટની મંજૂરી મેળવીને હાજર રહી શક્યા નહોતા. તેમને મંજૂરી મળી તે પછી ગિરોઇર 22મે 2020ના રોજ યોજાયેલી કારોબારી બોર્ડની બેઠકમાં હાજર રહ્યા હતા. “આવી મહામારી ફરીથી ના ફેલાય તે માટે સુધારા કરવા જરૂરી છે, અને તટસ્થ, સ્વતંત્ર અને વ્યાપક રિવ્યૂ જરૂરી છે,” એ વાત પર તેમણે બેઠકમાં ભાર મૂક્યો હતો.
1948માં અમેરિકાની સંસદે વિશ્વ આરોગ્ય સંસ્થામાં જોડાવા માટે મંજૂરી આપી હતી, તેની બે શરતો પૂર્ણ થાય તો સંસ્થામાંથી નીકળી જવાનો હુકમ અમલમાં આવે. એક તો એક વર્ષ માટેની નોટિસ નીકળી જતા પહેલા આપવી પડે. એટલે કે વહેલામાં વહેલા મધ્ય 2021માં અમેરિકા તેમાંથી બહાર નીકળી શકે. બીજું કે વર્તમાન નાણાંકીય વર્ષ માટે WHOને જે નાણાકીય સહાયનું વચન અપાયું હોય તે પાળવું રહ્યું. તેનો અર્થ એ થયો કે પ્રમુખે ફંડ અન્ય સંસ્થાઓને ફાળવી દેવાશે એમ કહ્યું છે તે WHOમાંથી સત્તાવાર નીકળી ગયા પછી જ થશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાં અનુસાર અમેરિકાએ $23.69 કરોડ ડૉલર મેન્ડેટરી સહાય અને $65.6 કરોડ ડૉલર સ્વૈચ્છિક સહાય આપવાનું વચન 2020-21 માટે આપ્યું હતું. આ સૌથી મોટો આર્થિક ફાળો છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાના ઓપરેટિંગ બજેટના લગભગ 22% જેટલો છે. મોટા ભાગનું ભંડોળ પોલિયો નાબુદી (27.4%) માટે વપરાય છે. ત્યારબાદ જરૂરી આરોગ્ય સેવાઓ માટે (17.4%), રસીકરણ માટે (7.7%) અને ટીબી માટે (5.74%) બજેટ વપરાય છે.
અમેરિકાની ગેરહાજરીમાં બીજા દેશો કોરોનાની રસી માટે વધારે સઘન પ્રયાસો કરી શકે છે. હાલમાં જ જીનિવામાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલી મળી તેમાં ચીને આ ભૂમિકા માટે દરખાસ્ત કરી હતી. ભારત સહિત 130 દેશોએ ઠરાવ કર્યો તેમાં કોવિડ-19ની રસી, દવા સાર્વત્રિક રીતે ઉપલબ્ધ થાય તે માટે મહત્ત્વની લીડરશીપ ભૂમિકા WHOને સોંપવામાં આવી છે.
જો કે, અમેરિકાની આર્થિક સહાય ઓછી થશે તેની અસર WHOની કામગીરી પર થશે. આ જાહેરાત પહેલાં જ અમેરિકાએ સાત દેશોને અલગ તારવ્યા હતા, કે જેને પોલિયો અને કોરોનાનો સામનો કરવા માટે સીધી સહાય કરવામાં આવે. અફઘાનિસ્તાન, ઇજિપ્ત, લિબિયા, પાકિસ્તાન, સિરિયા, સુદાન અને તુર્કીને અમેરિકા સીધી સહાય કરશે.
ભારતમાં Covid-19 સામેના અજાણ્યા પડકારો છે તેનો સામનો કરવા માટે WHO અને UN સાથે વધારે સંકલન સાથે કામ કરવાનું રહેશે. ભારતને બે દાયકા પહેલાં HIV/AIDS સંકટમાં આ રીતે સંકલનથી કામ કરવાનો અનુભવ છે. તે વખતે ભારતની ફાર્મા કંપની સિપ્લાને સસ્તા દરે જેનેરિક દવા ઉત્પાદન કરવાની મંજૂરી અપાઈ હતી.
મે 2020થી ભારતના આરોગ્ય પ્રધાન ડૉ.હર્ષ વર્ધન WHOના કારોબારી બોર્ડના એક વર્ષ માટે પ્રમુખ બન્યા છે. તે ભારત માટે અગત્યની ભૂમિકા ભજવશે અને Covid-19નો સામનો કરવા માટેની જરૂરિયાતોને પૂરી કરી શકશે. એ જ રીતે વિશ્વ આરોગ્ય સંસ્થાનો દક્ષિણ એશિયા રિજનલ ઓફિસ (SEARO) ભારતમાં છે, તેના કારણે વધારે સારી રીતે સંકલનથી કામ થઈ શકશે. તેના વડા તરીકે ભારતના ડૉ.પૂનમ ખેતરપાલ સિંહ છે, જેઓ ભારતમાં હાલમાં કામ કરતાં 1600 WHO નિષ્ણાતોની કામગીરીનું સંકલન કરી રહ્યા છે.