- 41 વર્ષમાં પ્રથમ વખત ભારતીય વિદેશ પ્રધાન મેક્સિકોની મુલાકાતે
- વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતાના સમકક્ષ સાથે વાતચીત કરી હતી
- મેક્સિકોના સ્વતંત્રતા દિવસમાં વિદેશ પ્રધાને લીધો હતો ભાગ
મેક્સિકો સિટી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે મેક્સિકોમાં પોતાના સમકક્ષ માર્સેલો એબ્રાર્ડ કૈસાબોન સાથે વાતચીત કરી હતી અને વેપાર, રોકાણ તેમજ અંતરિક્ષ સહિતના વિવિધ ક્ષેત્રોમાં બન્ને દેશો વચ્ચે સહયોગની આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બન્ને દેશોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એકબીજા સાથે નિકટતાથી સહયોગ કરવો જોઈએ.
રાજનૈતિક સહયોગ, શાસનના પડકારો સહિતના મુદ્દાઓ પર ચર્ચા
વિદેશ પ્રધાને સોમવારે ટ્વિટ કર્યું કે, 'મેક્સિકોના વિદેશ પ્રધાન સાથે સમગ્ર વાર્તા કરી. અમે અમારા વચ્ચે રાજનૈતિક સહયોગ, વેપાર તેમજ રોકાણ, અંતરિક્ષ તેમજ વૈજ્ઞાનિક સંભાવનાઓ, સાંસ્કૃતિક આદાન પ્રદાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સિવાય શાસનના પડકારો અને વૈશ્વિક વિમર્શની દિશા અંગે પણ ચર્ચા કરી હતી.'
મેક્સિકોના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લીધો
જયશંકર વિદેશ પ્રધાન તરીકે પ્રથમ વખત મેક્સિકોની મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લા 41 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વિદેશ પ્રધાન મેક્સિકોની મુલાકાતે પહોંચ્યા છે. જયશંકરે મેક્સિકો સિટીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારબાદ તેમણે મેક્સિકોના સ્વતંત્રતા દિવસ સમારોહમાં પણ ભાગ લીધો હતો.