રિચમોન્ડ: અમેરિકાના રિચમોન્ડ શહેરમાં પ્રદર્શનકારીઓએ ક્રિસ્ટોફર કોલમ્બસની પ્રતિમાને તોડી નાખી અને આગ ચાંપી દીધી હતી, ત્યારબાદ પ્રતિમાને નજીકની નદીમાં ફેંકી દીધી હતી.
મળતા અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓ શહેરના બાયાર્ડ પાર્ક ખાતે એકઠા થયા હતા અને ક્રિસ્ટોફર કોલમ્બસની પ્રતિમાને જડમૂળથી ઉખેડી નાખી નદીમાં ફેંકી દીધી હતી.
વિરોધ પ્રદર્શન કરનારાઓએ મંગળવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે દોરડાની મદદથી પૂતળાને જડમૂળથી ઉથલાવી નાખ્યું હતું. આ જગ્યા પર સ્પ્રેથી 'કોલમ્બસ નરસંહારનું પ્રતીક છે' એવું લખી દીધું હતું. આ પછી પૂતળાનું દહન કરી નદીમાં ફેંકી દેવામાં આવ્યું હતું.
એક સ્થાનિક અખબારના જણાવ્યા અનુસાર, પોલીસ આ પાર્કમાં હાજર નહોતી, પરંતુ આ ઘટના બાદ પોલીસ હેલિકોપ્ટરથી સમગ્ર વિસ્તારની નજબબંધી કરી હતી.