એટલાન્ટા: અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક કૂતરામાં કોરોના વાઇરસના સંક્રમણની પુષ્ટિ થઇ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહામારી બની ગયેલા આ સંક્રમણના રોગની ચપેટમાં અમેરિકાનો આ બીજો કૂતરો છે. આ પહેલા પણ કૂતરો કોરોના પોઝિટિવ સામે આવ્યો હતો.
આ અંગે જ્યોર્જિયાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, 6 વર્ષનો એક કૂતરો કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. અગાઉ તેનો માલિક કોરોના સંક્રમિત આવ્યો હતો, ત્યારબાદ કૂતરાને ન્યુરોલોજીકલ રોગ હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યારે કૂતરાની તપાસ કરવામાં આવી ત્યારે તે કોરોના વાઇરસથી સંક્રમિત આવ્યો હતો. જેની બિમારી વધતાં તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, કૂતરાની ન્યુરોલોજીકલ બીમારીનો કોવિડ-19 સાથે કોઈ સંબંધ નથી. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ માટે કેન્દ્રો દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, પાલતુ પ્રાણીથી લોકોમાં કોરોના વાઇરસ ફેલાવાનું જોખમ ખૂબ ઓછું છે.