- સેલવાસમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
- ભયમુક્ત દાનહ અને સંપન્ન દાનહનો નારો આપ્યો હતો
- ઉદ્યોગો, પ્રવાસન, આદિવાસી સમાજના વિકાસની વાત કરી
સેલવાસ: 30 મી ઓક્ટોબરે યોજાનારી દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર મહેશ ગાંવીતના ચૂંટણી પ્રચાર સાથે રવિવારે ઇલેક્શન મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. આ ચૂંટણી ઢંઢેરામાં ભાજપે ભયમુક્ત દાદરા નગર હવેલી અને સંપન્ન દાદરા નગર હવેલી તેવો નારો આપ્યો હતો. દાદરા નગર હવેલીમાં 30 મી ઓક્ટોબરે યોજાનારી લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપ, શિવસેના, કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે. આ પેટા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા ચૂંટણી માટે સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું.
વિકાસની ગંગા વહે એવો સંકલ્પ
દાદરા નગર હવેલી થશે ભયમુક્ત, વંશવાદ મુક્ત વહેશે વિકાસની ગંગા જેવા નારા સાથે સેલવાસમાં ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવ સહિત ભાજપના આગેવાનોના હસ્તે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. દાદરા નગર હવેલી પ્રદેશને વંશવાદથી મુક્તિ અપાવશે. તેમજ ભયમુકત વાતાવરણનું નિર્માણ કરી પ્રદેશમાં વિકાસની ગંગા વહે એવો સંકલ્પ આ સંકલ્પપત્રમાં આપ્યો છે.
પરિવારની ગુંડાગીરી ખતમ કરશે
દાદરા નગર હવેલીના શહેરી અને ગ્રામીણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લગભગ બધીજ યોજનાઓનું પ્રભાવી અમલીકરણ પ્રદેશમાં થાય, દાદરા નગર હવેલીમાં ફરીથી ભયમુક્ત વાતાવરણનું નિર્માણ અને પરિવારની ગુંડાગર્દીથી છુટકારો મળશે તેવો સંકલ્પ આ ચૂંટણી ઢંઢેરામાં હોવાનું કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. વધુમાં પ્રદેશના દરેક વિસ્તારમાં તમામ પાયાગત સુવિધા મળે, લાઈટ, રોડની ટેલિકોમની અને સારા હાઇવે, સારી ઇમારતોનું નિર્માણ કરવાની ખેડૂતોને પાકના વેંચાણ માટે જરૂરી સુવિધા ઉભી કરવાની નેમ આ ચૂંટણી ઢંઢેરામાં હોવાનું ચૂંટણી પ્રભારીએ જણાવ્યું હતું.
ગુજરાતના ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત
ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી પ્રદેશની લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપના સંકલ્પ પત્રના વિમોચન દરમિયાન ભાજપ કાર્યાલય ખાતે અશ્વિની વૈષ્ણવ તેમજ પ્રદેશ ભાજપના પ્રભારી વિજય રાહટકર, ગુજરાતના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, પિયુસ દેસાઈ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિપેશ ટંડેલ, SMC અધ્યક્ષ રાકેશ સિંહ ચૌહાણ સહિત ધારાસભ્ય શંકર ચૌધરી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: સેલવાસમાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા, મતદારોએ રેલવેની સમસ્યાને લઇ ઠાલવ્યો બળાપો