નવી દિલ્હી: પ્રભાસ અભિનીત ફિલ્મ આદિપુરુષમાંથી કેટલાક વાંધાજનક દ્રશ્યો દૂર કરવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે પૌરાણિક મહાકાવ્ય રામાયણના રાવણ, ભગવાન રામ અને સીતાના ધાર્મિક પાત્રોને ફિલ્મમાં વિવાદિત રીતે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે મહર્ષિ વાલ્મીકિની રામાયણ અને તુલસીદાસના રામચરિતમાનસમાં આવું વર્ણન જોવા મળતું નથી.
હાઈકોર્ટમાં અરજી દાખલ: આ પીઆઈએલ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દાખલ કરી છે. પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફીચર ફિલ્મ સિનેમેટોગ્રાફ એક્ટ, 1952ની કલમ 5Aના સંદર્ભમાં અનિયંત્રિત જાહેર પ્રદર્શન માટે યોગ્ય નથી. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ દ્વારા હિંદુઓની ભાવનાઓને ખરાબ રીતે ઠેસ પહોંચાડવામાં આવી છે.
વિવાદાસ્પદ સીન હટાવવાની માગ: ભગવાન રામ, સીતા અને હનુમાનની વેશભૂષા અને છબીઓ પણ સંપૂર્ણપણે અલગ રીતે દર્શાવવામાં આવી છે, જેણે હિંદુઓની લાગણીઓને ઉશ્કેરણી કરી છે. વિષ્ણુ ગુપ્તાએ અરજીમાં કેન્દ્ર સરકાર, ફિલ્મ સેન્સર બોર્ડ, તમિલનાડુ સરકાર, ફિલ્મ નિર્માતા ઓમ રાઉત અને કંપની ટી-સિરીઝને પ્રતિવાદી બનાવ્યા છે. આ સાથે એવી પણ માંગ કરવામાં આવી છે કે ફિલ્મમાંથી વિવાદાસ્પદ સીન હટાવ્યા વિના તેને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ આપવામાં ન આવે કે તેને સિનેમા હોલમાં પ્રદર્શિત કરવામાં ન આવે.
અલગ-અલગ પ્રતિક્રિયાઓ: જણાવી દઈએ કે આદિપુરુષ ફિલ્મ શુક્રવારે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જેના માટે દર્શકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક દર્શકોએ ફિલ્મને સારી ગણાવી છે તો કેટલાકે તેના પર સવાલ ઉઠાવ્યા છે.