કોલકાતા: ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' પશ્ચિમ બંગાળમાં માત્ર એક જ થિયેટરમાં બતાવવામાં આવી રહી છે, પરંતુ તેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુરુવારે ઇસ્ટર્ન ઇન્ડિયા મોશન પિક્ચર એસોસિએશનના એક અધિકારીએ આ માહિતી આપી હતી. તારીખ 18 મેના રોજ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં વિવાદાસ્પદ ફિલ્મના પ્રદર્શન પર રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો હતો.
બંગાળમાં ધ કેરલા સ્ટોરી: મમતા બેનર્જી વહીવટીતંત્રે તારીખ 8 મેના રોજ પ્રતિબંધ મુક્યો હતો. એવી આશંકાઓને ટાંકીને કે જો ફિલ્મ સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે તો સાંપ્રદાયિક લાગણીઓ ભડકાવી શકે છે. મોટા ભાગના થિયેટર માલિકોએ આ ફિલ્મને પ્રદર્શિત કરવાની કોઈ ઈચ્છા દર્શાવી નથી. જ્યારે ભારત અને બાંગ્લાદેશ સરહદ નજીક ઉત્તર 24 પરગણા જિલ્લાના બાણગાંવ શહેરમાં એક સિનેમા હોલ તારીખ 20 મેથી ફિલ્મનું પ્રદર્શન કરી રહ્યો છે અને ફિલ્મ સાથે 'ડિસ્ક્લેમર' ચાલી રહ્યો છે કે, તે 'કાલ્પનિક ઘટનાઓ' પર આધારિત છે.
થિયેટરોમાં ધ કેરલા સ્ટોરી: પૂર્વીય ક્ષેત્રના સિનેમા ઘરોના માલિકો અને વિતરકોની સર્વોચ્ચ સંસ્થા EIMPAના એક પદાધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, "આ ફિલ્મ કોલકાતાથી લગભગ 75 કિમી દૂર બાણગાંવના રામનગર રોડ પર આવેલા શ્રી રામા સિનેમા હોલમાં પ્રદર્શિત થઈ રહી છે, પરંતુ અમને આની જાણ નથી." રાજ્યમાં અન્ય કોઈ થિયેટર ફિલ્મ પ્રદર્શિત કરી રહ્યું છે કે નહીં તે જાણી શકાયું નથી.
ફિલ્મ પ્રદર્શિત કરવા અપીલ: EIMPAના પ્રદર્શન વિભાગના પ્રમુખ રતન સાહાએ અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં પ્રેક્ષકો મોટી સંખ્યામાં થિયેટરોમાં આવતા નથી. પત્ર અનુસાર "જોકે, 'ધ કેરલા સ્ટોરી'થી હોલ માલિકોને થોડી રાહત મળી છે અને ત્રણ દિવસ દરમિયાન ફિલ્મ સફળતાપૂર્વક પ્રદર્શિત કરવામાં આવી છે." તેથી, હું તમને વિનંતી કરું છું કે સિનેમાના હિતમાં રાજ્યમાં ફિલ્મના પ્રદર્શનની વ્યવસ્થા કરો.