કોલકાતા: 'ધ કેરળ સ્ટોરી'ના વિવાદો વચ્ચે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આગામી હિન્દી ફિલ્મ 'ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળ'ને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળ પોલીસે ફિલ્મ ધ ડાયરી ઓફ વેસ્ટ બંગાળના નિર્દેશક સનોજ મિશ્રાને રાજ્યની છબી ખરાબ કરવાના આરોપમાં સમન્સ પાઠવ્યા છે.
સનોજ મિશ્રાનો દાવો: બંગાળનું અપમાન કરવાનો તેનો ઈરાદો નહોતો. તેમણે કહ્યું કે આ ફિલ્મમાં વ્યાપક સંશોધન બાદ સત્યને રજૂ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ ફિલ્મનું ટ્રેલર 8 એપ્રિલના રોજ રીલિઝ થયું હતું. જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી દ્વારા નિર્મિત આ ફિલ્મ દ્વારા પશ્ચિમ બંગાળની છબી ખરાબ કરવા બદલ કોલકાતા પોલીસ હેડક્વાર્ટર લાલબજારે નિર્દેશક સનોજ મિશ્રાને 30 મેના રોજ પૂછપરછ માટે IPCની કલમ 41A હેઠળ નોટિસ આપી છે.
શું છે ઘટના: ટ્રેલર રીલિઝ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં તેને લગભગ 2.5 લાખ દર્શકો જોઈ ચૂક્યા છે. ટ્રેલરમાં કહેવામાં આવ્યું છે કે, આઝાદી પહેલા પશ્ચિમ બંગાળ ભારતનું ગૌરવ હતું, પરંતુ હાલમાં બંગાળ તુષ્ટિકરણની રાજનીતિને કારણે સળગી રહ્યું છે. વોટ બેંકને ધ્યાનમાં રાખીને લઘુમતી સમુદાયોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
તપાસ શરૂ: ટ્રેલરમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંગાળ હવે ભારતનું બીજું કાશ્મીર બની ગયું છે. ટ્રેલરમાં રોહિંગ્યા અને NRC જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ પણ સામે આવ્યા છે. કોલકાતા પોલીસના ડીસી (ઉત્તર) તરુણ હલદરે કહ્યું કે એક વ્યક્તિની ફરિયાદના આધારે અમે એમ્હર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.