હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણના પ્રખ્યાત અભિનેતા વિજય સેતુપતિ (Vijay Sethupathi Stuntman) તેમની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યારે શૂટિંગ દરમિયાન એક સ્ટંટમેનનું દુઃખદ અવસાન થયું (Stuntman Suresh death) હતું. શૂટિંગ સેટ પરની આ હ્રદયદ્રાવક ઘટનાએ સેટ પર હાજર તમામ લોકોને હંફાવી દીધા હતા. વાસ્તવમાં 54 વર્ષીય સ્ટંટમેન સુરેશ એક્શન સીન ફિલ્માવતી વખતે 20 ફૂટની ઊંચાઈએથી પડીને જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ વિજયના શૂટિંગ સેટ પર શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
20 ફૂટની ઊંચાઈથી સ્ટંટ: આ દર્દનાક ઘટના વિજયની આગામી ફિલ્મ 'વિદુથલઈ'ના સેટ પર બની હતી. આ ફિલ્મનું નિર્દેશન વેત્રી મારન કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મનો સેટ ટ્રેનના ભંગારમાંથી બનાવવામાં આવ્યો હતો. દ્રશ્ય મુજબ સ્ટંટમેન સુરેશને 20 ફૂટની ઊંચાઈએથી કૂદીને સ્ટંટ કરવાનો હતો.
સ્ટંટમેનનું મોત: આ માટે સુરેશને ક્રેનની મદદથી દોરડા વડે બાંધવામાં આવ્યો હતો. પરંતુ કમનસીબે દોરડાથી બાંધેલા સ્ટંટમેન સુરેશ કૂદતાની સાથે જ દોરડું તૂટી ગયું હતું અને તે 20 ફૂટની ઊંચાઈએથી સીધો જ જમીન પર પડ્યો હતો. આ જોઈને સેટ પરના બધાના હોશ ઉડી ગયા અને ઉતાવળમાં સુરેશને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે: આ અકસ્માતમાં સેટ પર હાજર કેટલાક સંયોજકો પણ ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે, સુરેશ છેલ્લા 25 વર્ષથી સ્ટંટમેન તરીકે કામ કરતો હતો. આ અકસ્માત બાદ શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના બાદ ફિલ્મ સાથે જોડાયેલા દરેક લોકો દુખી છે અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.